Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ભારત સામે બે ટ્વેન્ટી માટે વિન્ડિઝની ટીમ ઘોષિત થઇ

કાયરન પોલાર્ડ અને સુનીલ નારેનનો ટીમમાં સમાવેશ : ભારતીય ટીમ પ્રવાસની શરૂઆત ત્રીજી ઓગસ્ટથી કરશે

નવી દિલ્હી, તા. ૨૩ : ભારતીય ટીમ સામે ટી-૨૦ સિરિઝની પ્રથમ બે મેચો માટે વેસ્ટઇન્ડિઝ ટીમની આજે જાહેરાત કરવામાં આવી હતી. ૧૪ સભ્યો ટીમમાં દિગ્ગજ ઓલરાઉન્ડર કાયરન પોલાર્ડ અને સુનીલ નરેનની ટીમમાં વાપસી થઇ છે જ્યારે યુનિવર્સ બોસના નામથી જાણિતા ક્રિસ ગેઇલે પોતે નહીં રમે તેવી જાહેરાત કરી હતી. તે કેનેડાની ગ્લોબલ ટી-૨૦ લીગમાં રમશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રીજી ઓગસ્ટથી શરૂ થનાર પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની ૨૧મી જુલાઈના  દિવસે જાહેરાત કરવામાં આવી ચુકી છે. સુનીલ નરેનની ત્રણ વર્ષ બાદ ટી-૨૦ ટીમમાં વાપસી થઇ છે. તેમણે છેલ્લી ટી-૨૦ ૨૦૧૬માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી. બીજી બાજુ પોલાર્ડે છેલ્લી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય નવેમ્બર ૨૦૧૮માં ભારત સામે રમી હતી. આ ટીમમાં વિકેટકીપર બેટ્સમેન એન્થોની બ્રૈમબ્લેની પ્રથમ વખત પસંદગી કરવામાં આવી છે જેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ખુબ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ટીમની જાહેરાત કરતા પસંદગી કમિટિના ચેરમેન રોબર્ટ હેંસે કહ્યું હતું કે, આ ટીમ સંતુલિત છે. અનુભવી ખેલાડીઓની સાથે યુવા ખેલાડીઓનું મિશ્રણ પણ કરવામાં આવ્યું છે. અમે ટી-૨૦ વર્લ્ડકપ જેનું આયોજન આવતા વર્ષ  કરવામાં આવનાર છે જેને પગલે આ ટીમની પસંદગી કરવામાં આવી છે. આ ટીમમાં આંદ્રે રસેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.  જો તે હાલમાં ઇજાગ્રસ્ત છે. ભારતીય ટીમ વેસ્ટઇન્ડિઝના પ્રવાસની શરૂઆત ત્રીજી ઓગસ્ટથી કરશે. ટીમ ઇન્ડિયા આ પ્રવાસ દરમિયાન બે ટેસ્ટ મેચ, ત્રણ વનડે મેચો અને ત્રણ ટ્વેન્ટી મેચો રમશે. પ્રથમ ટેસ્ટ મેચ ૨૨મી ઓગસ્ટથી વિવિયન રિસર્ડ્સ ગ્રાઉન્ડ ખાતે રમાશે જ્યારે બીજી ટેસ્ટ મેચ ૩૦મી ઓગસ્ટથી સબીના પાર્ક જમૈકા ખાતે રમાશે. ભારતીય ટીમની હાલમાં જ જાહેરાત કરવામાં આવી હતી. ભારતની ટેસ્ટ ટીમમાં મયંક અગ્રવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમમાં બે વિકેટકીપર રાખવામાં આવ્યા છે. જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. ટેસ્ટ ટીમમાં પણ જુદા અને વનડે ટીમમાં જુદા કેપ્ટનને લઇને હિલચાલ ચાલી રહી હતી. હાલમાં જ પૂર્ણ થયેલા વર્લ્ડકપમાં પાંચ સદી ફટકારનાર રોહિત શર્માની ટેસ્ટ મેચ માટે પણ પસંદગી કરવામાં આવી છે જ્યારે વનડે ટીમમાં શ્રેયસ અય્યર, મનિષ પાંડે અને નવદીપ સૈની તેમજ ખલીલ અહેમદનો સમાવેશ કરાયો છે. લાંબા સમય સુધી બહાર રહ્યા બાદ ટેસ્ટ ટીમમાં વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સહાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સહાએ હાલમાં જ સર્જરી કરાવી હતી. ૨૦૧૮ આઈપીએલ દરમિયાન ઇજા થયા બાદ તે ટીમમાંથી બહાર હતો. જાન્યુઆરી ૨૦૧૮માં આફ્રિકા સામે તે છેલ્લી વખત રમ્યો હતો. ટ્વેન્ટી ટીમમાં એકમાત્ર લેગસ્પીનર રાહુલ ચહર નવા ચહેરા તરીકે છે. આઈપીએલમાં શાનદાર દેખાવના કારણે તેની પસંદગી કરવામાં આવી છે. ભારતીય ટીમ પ્રવાસ દરમિયાન ત્રણ વનડે મેચો પણ રમશે. વનડે સિરિઝની શરૂઆત ૮મી ઓગસ્ટના દિવસે થશે. છેલ્લી વનડે મેચ ૧૪મી ઓગસ્ટના દિવસે રમાશે.

વિન્ડિઝ ટીમ : કેમ્પ બેલ, લુઇસ, હેટમાયર, પુરન, પોલાર્ડ, પોવેલ, બ્રેથવેઇટ, કિમોપોલ, નારેન, કોટ્રેલ, થોમસ, બ્રેડલે, રસેલ, કિર્લે.

(7:56 pm IST)