Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

કાર રેલીઇસ્ટ ભરત દવે ૨૯ રાજયના ૨૯ પાટનગરોના પ્રવાસેઃ ઠેર ઠેર સ્વાગત

રાજકોટ તા.૧૩: ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના ક્રાંતિકારી સ્વચ્છતા અભિયાનની કેન્દ્રવર્તી થીમ સાથે ''૨૯ રાજય ૨૯-પાટનગર-૨૯ દિવસ''ની વૈશ્વીક કિર્તિમાન પ્રસ્થાપિત કરવા નીકળેલા વિશ્વ વિખ્યાત કાર રેલીઇસ્ટ અને સૌરાષ્ટ્રના (ઝાલાવાડ) પનોતાપુત્ર ભરત દવેનું અગરતલા, ત્રિપુરાખાતે રાજયના મુખ્યમંત્રીશ્રી હેમાનંદ બીસ્વાલે વિરોચિત સ્વાગત કરી સન્માન કર્યુ હતું.

ગાંધીનગરથી પ્રસ્થાન કરી ભોપાલ,મુંબઇ,ગોવા,બેંગ્લોર,થીરૂઅનંતપુરમ, મદુરાઇ, ચેન્નઇ, બેંગ્લોર, હૈદરાબાદ સહિતના દક્ષીણ ભારતના રાજયોમાં ઠેર-ઠેર રાજયોના પ્રધાનો, સાંસદો, ધારાસભ્યો, સ્વેચ્છીક સંસ્થાઓ દ્વારા હુબદ વિશિષ્ટ અને ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. પ્રત્યેક સ્થાન પર પહોંચી દિવસભર સમાજજીવનના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, છાત્રો સાથે સંવાદ અને સાંજે નાગરીક મિલન જેવા કાર્યક્રમો આયોજીત થયેલ.

દક્ષીણ રાજયો બાદ રાંચી, કોલકતા, શિલીગુડી થઇ અગરતલા પહોચેલ અને ત્યાં રાજયોના મુખ્ય મંત્રીશ્રી બીસ્વાલે ખાસ સમય ફાળવી શ્રી ભરત દવેનું સ્વાગત-સન્માન કરેલ. અત્યાર સુધીમાં ૮૭૦૦ થી વધુ કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કરેલ છે.

અગરતલાથી ઐઝવાલ (મીઝોરમ) ની યાત્રાને ખાસ મહિલા સશકિતકરણ, બેટીબચાવો-પઢાવોની થીમ સાથે જોડવામાં આવેલ છે.

ભારત સરકારના એકલવ્ય પુરસ્કારથી વિભૂષિત ૬૭ વર્ષના શ્રી ભરત દવે પાંચવાર રાષ્ટ્રીય અને બે વાર આંતરરાષ્ટ્રીય કાર રેલી ચેમ્પીયન બનવાનો વિરલ કિર્તિમાન ધરાવે છે. મૂળ સુરેન્દ્રનગરના બેંકર સ્વ.રતિભાઇ દવેના પુત્ર એવા ભરત દવે હિમાલયન કાર રેલીઇસ્ટ તરીકે સુવિખ્યાત છે. તેઓ રોજ ૭૦૦ કિલોમીટરનો પ્રવાસ કરે છે.

આગળ ઐઝવાલ, કોહિમા, ઇટાનગર થઇ તેઓ ગોહાટી પહોંચનાર છે. પ્રત્યેક રાજયોમાં સમાજજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં અગ્રણીઓ સંમિલીત  થઇ રહેલ છે.

(4:01 pm IST)