Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

સુરેન્દ્રનગર પંથકમાં કાચુ સોનુ વરસ્યુઃ ૩ ઇંચ વરસાદ

પાકની નિષ્ફળ જવાની ચિંતા દૂરઃ ચોટીલાનાં ઝરિયા મહાદેવ ખાતે ધોધ વહેવા લાગ્યો

સુરેન્દ્રનગર, તા.૨૩: લાંબી રાહ જોયા બાદ આખરે સુરેન્દ્રનગર જિલ્લામાં મેદ્ય મહેર થતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે અને ધોળા દિવસે ગાજવીજ સાથે કાળા ડિબાંગ વાદળો જવાની સાથે અંધારા જેવો માહોલ છવાઈ ગયો હતો અને ધોધમાર વરસાદ તૂટી પડવાનું શરૂ થઈ ગઈ હતી જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા પ્રજામાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી તેમ જ જિલ્લાભરના ખેડૂતોમાં પણ વરસાદના આગમનથી આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી ત્યારે વરસાદ ની પ્રથમ એન્ટ્રીથી શહેરમાં અનેક વિસ્તારોમાં ગટર ઊભરાવવાની તેમજ પાણી ભરાઇ જવાની સમસ્યાને લોકોને સામનો કરવો પડ્યો હતો તેમ જ ઠેર ઠેરથી આવતી ફરિયાદોને પગલે તંત્ર દ્વારા કરાયેલી પ્રિમોન્સુન કામગીરી કેવા પ્રકારની હશે તે સ્પષ્ટ દેખાઈ આવતું હતું..

ચોટીલા ઝરિયા મહાદેવ મંદિર પરથી ધોધ વહ્યો..

તરણેતર વિસ્તારના વીડ જંગલમાં આવેલા ઝરિયા મહાદેવ મંદિર ઉપરથી પાણીના ધોધ વહ્યાં...

સૌરાષ્ટ્ર પંથકમાં વરસેલા વરસાદના કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ખાસ કરીને વરસાદના પગલે અનેક સ્થળોએ રમણીય નજારા જોવા મળી રહ્યાં છે. દરમિયાન ચોટીલા પંથકમાં વરસેલા વરસાદના લીધે પંથકના સુપ્રસિદ્ઘ ઝરિયા મહાદેવના મંદિર પરથી ધોધ વહ્યો હતો.

ઝરિયા મહાદેવનું મંદિર તરણેતર વિસ્તારના વીડના જંગલમાં આવેલું છે. આ વિસ્તારમાં આવેલા ખડકો પરથી વરસાદનું ખળખળ વહેતું પાણી એટલું તીવ્ર હતું કે મંદિરની પાસે આવેલા પગથિયા પરથી ધોધ વહેવા લાગ્યો હતો.

માંડવના વિડી વિસ્તારમાં ખુબજ સારાં પ્રમાણ માં વરસાદ વરસતા પાંચાળ ભુમિના પ્રસિદ્ઘ ઝરીયા મહાદેવની ગુફા ઉપરથી પાણી નો ધોધ વહેતા થયાં હતાં અને લોકો માં આનંદ લાગણી ફેલાયેલ હતી. આવો દુર્લભ નજારો વર્ષો બાદ જોવા મળ્યો હોવાથી લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે ઉમટી પડ્યાં હતા.

આ મંદિર ગૂફામાં આવેલું હોવાથી અહીંયા નિરંતર પાણી ઝરે છે, તેથી તેનું ઝરિયા મહાદેવ પડ્યું હોવાની કિવદંતીઓ છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા ગુફામાં મંદિર હોવાથી શિવલિંગ પર અવિરત પાણી ટપકે છે. સતત ઝરતા પાણીના કારણે આ મંદિરનું નામ ઝરિયા મહાદેવ પડ્યું હોવાની પણ વાયકા છે. કિવદંતીઓ મુજબ આ મંદિર ખૂબ જ પ્રાચીન છે અને સમગ્ર ઝાલાવાડ પંથકમાં તેનું અનેરૂ મહત્ત્વ છે.

(1:22 pm IST)