Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

એક રાખડી આપણા સૈનિક ભાઇઓને નામઃ જામનગરનાં મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા સરહદ પર તૈનાત જવાનોને રાખડી મોકલવાનો નવતર કાર્યક્રમ

બુધવારે બહેનો સેનાના ભાઇઓને તેમની લાગણી અને રાખડી મોકલી શકશેઃ સીયાચીન અવરનેશ ડ્રાઇવના સહકારથી યોજાશે અનોખો કાર્યક્રમઃ ૩૬૫ દિવસ દેશની રક્ષા કરતા જાંબાઝ જવાનોનું ઋણ અદા કરવાનો અનોખો અવસર

જામનગર, તા.૨૩: દેશના કરોડો નાગરિકો સુખ ચેન ભોગવી શકે અને નિંરાતની નિંદ્રા માણી શકે તે માટે સરહદ ઉપર ૨૪ કલાક અને ૩૬૫ દિવસ ટાઢ, તાપ, તડકો સહન કરી દેશની રક્ષા કરી રહેલા લશ્કરના જાંબાઝ જવાનોને રક્ષાબંધનના પવિત્ર તહેવાર ઉપર રાખડીઓ મોકલવાનું સુંદર કાર્ય જામનગર મહાનગરપાલિકાના વોર્ડ.નં.૫ના કોર્પોરેટર અને બ્રહ્મ સમાજના મહિલા અગ્રણી શ્રીમતી ડિમપલબેન રાવલ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.સરહદ ઉપર તૈનાત આપડા સીમાપ્રહરીને રાખડી મોકલવામાં કેન્દ્ર સ્થાને કંઇ હોય તો તે તેમના પ્રત્યે આપણી લાગણી છે. રાખડીના મુલ્યન, દેખાવનું કે પછી જથ્થાબંધ સંખ્યાનું ઝાઝુ મહત્વ નથી. માત્ર બહેનની ભાઇ પ્રત્યેની લાગણી મહત્વ સ્થાને છે ત્યારે સરહદ સુધી આપણે ભલે પ્રત્યેક્ષ પહોંચી ન શકીએ, પણ સરહદ પર તૈનાત દેશના સપુતો સુધી આપણો આદાર-પ્રેમ રાખડી અને સંદેશાના માધ્યમથી તો ચોક્કસ પહોંચાડી શકીએ.

આ પ્રકારના શુભાદેશથી મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા શહેરની મહિલાઓ તેમજ મહિલા સંસ્થાઓને સાથે રાખીને સીયાચીન અવરનેસ ડ્રાઇવના સહકારથી સરહદ ઉપર તૈનાત આર્મી, એરફોર્સ, નેવીના જવાનોને રાખડી સાથે બહેનોનો સંદેશો પહોંચાડવાનું અભિયાન હાથ ધરાર્યુ છે. શહેરના શેખર માધવાણી લાયન્સ હોલમા તા.૨૪-૭-૨૦૧૯ બુધવારના સાંજે ૪:૩૦ થી ૫:૩૦ દરમ્યાન શહેરની બહેનો જવાનો માટે તેમનો સંદેશો અને રાખડી જમા કરાવી શકે છે.

સરહદ પરના જવાનોને રાખડી મોકલી તેમની રક્ષા માટે શહેરની બહેનો તત્પરતા દર્શાવે અને દેશ દાઝના આ કાર્યમાં દેશની રક્ષા કરતા આપણા જાંબાઝ જવાનોની ફરજને બિરદાવે, એક રાખડી આપણા સૈનિક ભાઇઓને નામ કાર્યમાં બહોળી સંખ્યામાં હાજર રહે અને સુરક્ષાના હેતુસર માત્ર સાદી અને સિમ્પલ રાખડી જ મોકલવાની રહેશે. તેવી અપીલ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલે અખબારી યાદી દ્વારા કરી છે.

(1:16 pm IST)