Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

મિરઝાપર વ્યાપારી પર હુમલા પ્રકરણમાં ભુજની કાવડા ગેંગનું નામ ખુલ્યું

અગાઉ ખોટા માણસો હાજર કરીને પોલીસને ગેર માર્ગે દોરી હતી, પણ હવે કાવડા ગેંગના બે આરોપીઓનો પોલીસે જેલ માંથી કબ્જો મેળવ્યો

ભુજ, તા.૨૩: ગત ૨૦ જુનના ભુજના મિરઝાપર ગામે શિવાય એન્ટરપ્રાઇઝ નામની દુકાન ચલાવતા વ્યાપારી સ્મિત પરેશ ઠકકર ઉપર હુમલો કરાયો હતો. જેની ફરિયાદ સ્મિત ઠક્કરે કરી હતી.

જેમાં માંડવીના કલ્યાણજી પટેલ અને અન્ય બે અજાણ્યા શખ્સોએ તેની ઉપર ૧ લાખ ૨૫ હજારની ઉઘરાણી બદલ આ હુમલો કરાયો હોવાનું અને કલ્યાણજી પાસેથી પોતે ઘઉં ખરીદ્યા હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. જોકે, હિસાબ અંગે માથાકૂટ ચાલતી હતી.

આ કેસમાં ભુજ એ ડિવિઝન પોલીસે જે તે વખતે હુમલો કરવા બદલ કલ્યાણજીના પુત્ર શાંતિલાલ પટેલ અને અન્ય બે શખ્સોની ધરપકડ કરી હતી. જોકે, આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યાપારીના કેસમાં ભુજ એ ડિવિઝન પોલીસના હાલના પીઆઇ એમ.એન. ચૌહાણે વધુ તપાસ કરતા આ હુમલામા ભુજની કાવડા ગેંગ સન્ડોવાયેલ હોવાનું ખુલ્યું હતું.

જેને પગલે જેલમાં સર્ચ વોરન્ટ મેળવીને કાવડા ગેંગના મુંજાહિદ હિંગોરજાની ધરપકડ કરી પૂછપરછ કરતા જે તે સમયે ખોટા માણસો પોલીસ સમક્ષ હાજર થયાનું ખુલ્યું હતું. એ સંદર્ભે પોલીસે શાંતિલાલ, ઉપરાંત કલ્યાણજી, તેના ડ્રાઈવર આસિફ, માંડવીના રઝાક સુમરા ઉપરાંત મુજાહિદ હિંગોરજા સામે ગુનો દાખલ કર્યો છે. છેલ્લા પાંચ મહિનામાં ભુજની અંદર થયેલ મારમારીના, ધકધમકીના કેસોમાં કાવડા ગેંગનું નામ ઉછળીને સામે આવ્યું છે.

(11:39 am IST)