Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

રાજૂલામાં ફુડ એન્ડ ડ્રગ વિભાગને પાન-મસાલાના વેપારી પર પાડેલા દરોડામાં કંઇ હાથ ના લાગ્યું...!!

લોકડાઉન દરમિયાન પાન-મસાલાના કાળાબજારની ફરિયાદ પ્રશ્ને : જો કે જીએસટીની ટીમ તપાસ કરે તો વગર બીલે વેચાયેલ માલની હિસ્ટ્રી બહાર આવત...? : જો તંત્રએ પહેલા દરોડા પાડયા હોત તો કૌભાંડ બહાર આવત પરંતુ લોકડાઉન ખુલ્યા પછી તપાસ થતા બધુ સગેવગે થઇ ગયાની પણ લોકોમાં ચર્ચા

રાજૂલા તા. ૬ :.. રાજુલામાં તાજેતરમાં ફુડ એન્ડ ડ્રગ્ઝ તેમજ તોલમાપ વિભાગ દ્વારા તાજેતરમાં   ટોબેકોના હોલસેલ દુકાનો પર ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું. આ ચેકીંગમાં અમરેલી જીલ્લા કલેકટરે ભાવ વધારે અંગે તપાસ કરવાની અખબારી અહેવાલના પગલે સુચનાઓ આપી હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે રાજૂલામાં મોહનભાઇ બોઘાભાઇ વાણીયા, તેમજ હિતેષભાઇ મોહનભાઇ વાણીયા હરેક્રિષ્ના બીજી દુકાન  હરેક્રિષ્ના સોપારી, મહેશભાઇ કાળુભાઇ ખાંભલીયાના ઘરે ડુંગર રોડ પર તેમજ દિનેશભાઇ કરશનભાઇ ઉપાધ્યાય માર્કેટીંગ યાર્ડ પાસે ચેકીંગ કરવામાં આવેલ હતું. આ અંગે લોકોમાંથી એવુ જાણવા મળેલ છે કે, રાજૂલામાં ટોબેકોના વેપારીઓએ લોકડાઉન દરમ્યાન લાખો રૂપિયાની તમાકુ, બીડી અને ગુટખાઓનું બ્લેકમાં વેચાણ કરેલ હતું.

આ અંગે જાગૃત નાગરીકો દ્વારા નાયબ કલેકટરને આવેદન પત્ર પણ પાઠવેલ હતું.  પરંતુ જે તે સમયે ચેકીંગ કરવાને બદલે લોકડાઉન ખુલી ગયા પછી ચેકીંગ કરવામાં આવેલ હતું. જેથી વેપારીઓએ આ અંગેનું બધુ સગેવગે કરી નાખેલ હોવાની પણ ચર્ચા છે.

આ સમગ્ર ચેકીંગ દરમ્યાન ફકત રૂપિયા ૭૮૦ જેવી મામૂલી રકમનો જ અકસ્પાઇર ડેઇટ વાળો માલ સામાન જેમાં તુલસી ગુટખા, પાસપાસ જેવા પાઉચ પકડેલ હોય જેથી આ  તપાસ પર પણ લોકોમાં સવાલ ઉઠી રહયા છે અને ૭૮૦ જેવી મામૂલી રકમ ફુડ એન્ડ ડ્રગ્સ દ્વારા તેમજ તોલમાપ વિભાગ દ્વારા રૂ. ૯પ૦૦ નો દંડ વસુલ કરેલ હોય ખોદયો ડુંગર અને કાઢયો ઉંદર જેવા ઘાટ થયેલ છે. આ અંગે રાજૂલા વિસ્તારમાં તેમજ જીલ્લામાં ખૂબ જ પ્રમાણમાં જીએસટી ચોરી પણ થતી હોવાની લોકોમાં ફરીયાદ છે. ત્યારે ટોબેકો વિક્રેતાઓને ત્યાં ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ જીએસટી દ્વારા ચેકીંગ કરેલ છે. તો રાજૂલા વિસ્તારમાં ચેકીંગ શા માટે નહીં ? તેવો વેધક સવાલ લોકોમાંથી પુછાઇ રહ્યા છે.

રાજૂલા વિસ્તારમાં પણ અત્યાર સુધીના આવક-જાવકની બિલ્ટીઓની અને અત્યાર સુધીમાં કેટલુ જીએસટી ભર્યુ અને કેટલુ બ્લેકમાં માલ વેચ્યો તેની પણ તપાસની માંગ થાય તેવી લોક લાગણી અને માંગણી છે.

(1:19 pm IST)