Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

રાજકોટના સંજય દાસાણીને જુનાગઢમાં પોરબંદરનો શખ્સ રૂ. ત્રણ લાખનો ચુનો ચોપડીને પલાયન

બંને જણા ફોર વ્હીલર લેવા આવ્યા'તા

જુનાગઢ, તા. ૬ : જુનાગઢમાં ફોર વ્હીલર લેવા આવેલ રાજકોટના સંજય દાસાણીને તેની સાથેનો પોરબંદરનો શખ્સ રૂ. ત્રણ લાખનો ચુનો ચોપડીને પલાયન થઇ જતાં હલચલ મચી ગઇ હતી.

આ અંગેની વિગતો એવી છે કે, રાજકોટમાં મોરબી રોડ, ડ્રીમલેન્ડ પાર્ક, રતનપર વિસ્તારમાં રહેતા અને કેટરર્સનો વ્યવસાય કરતા લોહાણા સંજયભાઇ સુરેશભાઇ દાસાણી (ઉ.વ.૪૪) ગઇકાલે મૂળ પોરબંદરના ખાપટ ગામનો હાલ રાજકોટમાં રતનપર વિસ્તારમાં રહેતો અજય મસરીભાઇ ઓડેદરા સાથે સંજયભાઇ માટે ફોર વ્હીલર લેવા રાજકોટથી જુનાગઢ અજયની એકટીવામાં આવ્યા હતાં.

આ દરમ્યાન બંને જણા જુનાગઢમા જેલ રોડ પર આવેલ બોમ્બે સ્ટુડીયોમાં ફોટા પડાવવા ગયા હતાં ત્યારે અજય ઓડેદરા ફોર વ્હીલરવાળાને લઇને આવું તેમ કહી રૂ. ત્રણ લાખની રોકડ સાથેના એકટીવા હંકારીને ગયો હતો.

આ પછી અજય પરત નહી આવતા સંજય દાસાણીએ સાંજે જુનાગઢ બી-ડીવીઝન પોલીસમાં અજય ઓડેદરા વિરૂદ્ધ રૂ.૩ લાખની છેતરપીંડી વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાવી હતી જેની તપાસ પીએસઆઇ એન.જી. પરમાર ચલાવી રહ્યા છે.(૮.૧૧)

 

(1:16 pm IST)