Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ઉનાના દેલવાડા ગામે યુવતિની છેડતીના મામલે યુવાનની હત્યાના કેસમાં બે આરોપીઓને આજીવન કેદ ફટકારતી અદાલત

ઉના, તા.૬ : ઉનાના દેલવાડા ગામે ર૦ મહીના પહેલા યુવતિની છેડતી કરનાર આરોપીને ઠપકો આપનાર યુવાનને ૬ લોકોએ લાકડાના ધોકા, લોખંડના પાઇપ વતી હુમલો કરી એકનું મોત નિપજાવ્યાના ગુનામાં બે આરોપીને આજીવન કેદની સજા તથા રૂ.૧૦ હજાર દંડ તથા અન્ય ૪ આરોપીઓને પૂરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવા હુકમ ઉનાની એડીશ્નલ સેશન્સ કોર્ટે કર્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ ઉના તાલુકાના દેલવાડા ગામે ગત તા.પ-૧૦-ર૦૧૮ના ગુપ્ત  પ્રયાગ જતા રોડ આવેલ મકાનમાં રહેતો પ્રવિણભાઇ સામતભાઇ મજીઠીયા જાતે કોળી રે. દેલવાડા, ભાઇઓસાથે મકાનમાં રહેતા હતાં રાત્રીના ઘર નજીક ઝગડો થતો હોવાનો અવાજ સંભળાતા તેમના ભાઇનો દિકરો જીજ્ઞેશ વશરામભાઇ ત્થા પત્ની જયાબેન ઉર્ફે જીજ્ઞા રૂમમાંથી બહાર આવી જોતા દેલવાડાનો સુનિલ કરશન ભાલીયા, કાનજી મેઘજી મકવાણા, સંજય અશોક ડાભી, રમેશ ભીખા રાઠોડ, ઉમેશ બાબુ ચૌહાણ, અશોક ઉર્ફે અશ્વિન ભીખા વાણંદ રે. ઉના વાળા મોટરકારમાં આવી જીજ્ઞેશ તથા યશને ગાળો આપતા આ બનાવના કારણમાં જીજ્ઞેશના બહેન અંજનાની એક વરસ પહેલા આરોપી સુનિલ કરશન ભાલીયા મશ્કરી કરેલ હતી. ત્યારે જીજ્ઞેશે ઠપકો આપી બે ઝાપટ મારેલ હતી. તેમનું દુઃખ રાખી મારી નાખવાના ઇરાદે ૬ આરોપીએ ગે.કા. મંડળી રચી લોખંડનો પાઇપ કાનજી મેઘજીએ તથા અન્ય લોકોએ લાકડાના ધોકાવતી માર મારતા જીજ્ઞેશને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી. પ્રવિણભાઇ સામતભાઇ, તેના ભાઇ રાજુભાઇ સામત ત્થા નયનાબેન તથા યશને વચ્ચે પડતા ધોકા વાગતા ઇજા થઇ હતી. રાડા રાડી કરતા લોકો ભેગા થઇ જતા આરોપી કાર મૂકી નાસી ગયા હતાં. જીજ્ઞેશને ગંભીર ઇજા હોય ઉના દવાખાને લાવતા ફરજ ઉપરના ડોકટરે મૃત જાહેર કરતા ઉના પોલીસમાં પ્રવિણભાઇ મજીઠીયાએ ફરીયાદ નોંધાવતા પોલીસે ૬ આરોપી સામે આઇપીસી ૩૦ર, ૧૪૩ ૧૪૭, ૧૪૮, ૧૪૪, ૩ર૩ જીપી એકટ ૧૩પ મુજબ ગુનો નોંધાયો હતો.

ઉનાની એ. સેશન્સ કોર્ટના જજશ્રી સંજયકુમાર એલ. ઠકકર ફરીયાદી તથા બચાવ પક્ષના વકીલોની દલીલો પૂરાવા જોઇ તપાસી આજ એવો ચૂકાદો આપેલ કે આરોપી કાનજી ઉર્ફે કાનો મેઘજીભાઇ મકવાણા રે. ઉના તથા (ર) સુનિલ કરશન ભાલીયા રે. દેલવાડા સામે આઇપીસી ક તથા ૧૧૪ના ગુનામાંદોષીત ઠરાવી બન્નને આજીવન કેદની સજા તથા રૂ. ૧૦૦૦૦ દરેકને દંડ ફટકારેલ છે. દંડ ના ભરે તો વધુ ૬ માસની સાદી કેદ સજા તથા અન્ય આરોપીઓ સંજય અશોકભાઇ ડાભી ના, રમેશ ભીખા રાઠોડ ઉના, ઉમેશ બાબુભાઇ ચૌહાણ ઉના, હસમુખ ઉર્ફે અશોક ઉર્ફે અશ્વિન ભીખા જેઠવા રે. ઉના સામે આરોપ સાબીત થતો ના હોય નિર્દોષ છોડી મૂકવા હુકમ કરેલ હતો.

આ કેસમાં સજા પામનાર બે આરોપીની ધરપકડ કર્યા બાદ જામીન મળેલ ન હતાં અને કેસનો ચુકાદો આવ્યો ત્યાં સુધી જેલમાં રહેલ હતા તેમજ મરણ જનાર પરિવારને આર્થિક લાભ મળે તે માટે ચેરમેનશ્રી જીલ્લા કાનુની સેવા સતા મંડળ ગીર સોમનાથને આર્થિક સહાય ચૂકવવા ભલામણ કરી હતી. આમ ઉના કોર્ટ હત્યા જેવા ગંભીર ગુનામાં કેસ ઝડપથી ચલાવી માત્ર ર૦ મહિનામાં ચુકાદો આપેલ છે.

(11:45 am IST)