Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર દુર્ઘટના, ત્રણ લોકોનાં મોત

ગમખ્વાર અકસ્માતમાં ત્રણ ઘાયલ થયા : અકસ્માત એટલો ભયંકર હતો કે કારના ફૂરચા ઉડી ગયા

મોરબી, તા. ૫ : કોરોનાના કારણે રાજ્ય સહિત દેશભરમાં લોકડાઉનના પગલે અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ જેમ જેમ લોકડાઉનમાં છૂટછાટ મળવા લાગી ત્યારબાદ ફરી અકસ્માતની ઘટનાઓ સામે આવવા લાગી છે. આજે મોરબી જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી, જેમાં ત્રણ લોકોના સ્થળ પર જ મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના માળીયાના ખીરજી ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારના ફૂરચા ઉડી ગયા છે. આ અકસ્માતમાં કારમાં સવાર ૬ લોકોમાંથી ત્રણ લોકોના સ્થળ પર જ મોત થયા છે. વિગતે ઘટનાની વાત કરીએ તો, સુરત તરફથી મુદ્રા તરફ આજે બપોરના સમયે ક્રિએટા કાર જઈ રહી હતી, આ સમયે અચાનક કોઈ કારણસર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં કારના ફૂરચા ઉડી ગયા છે, કારમાં ૬ લોકો સવાર હતા, જેમાંથી ત્રણ લોકોના સ્થળ પર જ મોત થયા છે.

               જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો, મેઈન હાઈવે પર અકસ્માત સર્જાતા થોડા સમય માટે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી. હાલમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, કારમાં ૬ લોકો સવાર હતા, જેમાંથી મહેન્દ્રસિંગ ચન્દ્રસિંગ, રાજેશ સુભાષ અને યાગનેન્દ્રસિંહ નામના ત્રણ વ્યક્તિના મોત થયા છે. કારમાં સવાર ૬ લોકો કોઈ કામ અર્થે મુદ્દા જઈ રહ્યા હતા, આ સમયે ટ્રક સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ તમામ લોકો ક્યાંના હતા, તે મામલે જાણકારી મેળવી તેમના પરિવાર સંબંધીને આ મામલે જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(7:49 pm IST)