Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ટીવી અને ફિલ્મઆર્ટિસ્ટ શાંતા ગંભીર બિમારીથી મોતને ભેટી ત્યાં સુધી ભુજની સંસ્થાએ તેની સેવા કરી

ભુજ તા. પ : વર્ષોથી ભુજને પોતાની કર્મભૂમિ બનાવનાર શાંતાબેન સંજય કામ્બલે ગંભીર બીમારીથી પીડાઇ આખરે મૃત્યુ પામી છે. એક સમય હતો જયારે શાંતા ટીવી આર્ટિસ્ટ અને ફિલ્મ આર્ટિસ્ટ હતી. પણ કોઇક ગંભીર બિમારીનો ભોગ બની હતી. ભુજ આવ્યા પછી વર્ષો સુધી મજુરી કામ કરતી રહી. મકાન સફાઇ, વાસણ સફાઇ, જાડુ-ફટાનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવતી જુદા-જુદા વિસ્તારોમાં ભાડે મકાનમાં રહેતી. મકાન માલીક મકાન ખાલી કરાવે ત્યારે મકાન ખાલી કરી બીજા ભાડાના મકાનમાં રહેવા ચાલી જતી. માનવજયોત સંસ્થા દ્વારા તેને કપડા -વાસણ પણ આપવામાં આવ્યા હતા વર્ષોસુધી જમવા માટે ટીફીન એને પહોંચાડવામાં આવતું. તે અનેક મુશ્કેલીઓ વેઠી દુઃખનો સામનો કરતી. છેલ્લે અચાનક તેને મકાન ખાલી કરાવવામાં આવતાં તે રસ્તા વચ્ચે આવી ગઇ હતી. માનવજયોત સંસ્થાએ તેને હોટલ ડોલર પાછળના ભાગમાં ભુંગો બાંધી દીધો હતો. જયાં છેલ્લે તે બે મહિનાથી રહેતી હતી. તેવધુ બિમાર થતાંજ કોઇક અજાણી વ્યકિત તેના ગેસ સીલીન્ડર તથા સામાન ચોરી ગયા હતા. છેલ્લે તે બેભાન બની હતી, અને પ્રમાણ છોડયા હતા.

માનવજયોતનાં પ્રબોધ મુનવર, રફીક બાવા, ઇરફાન લાખાએ બી ડીવીઝન પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસ ૧૦૮ સેવા તથા ભુજ નગરપાલીકા વાહન ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ભુજ નગરપાલીકાનાં વાહન મારફતે તેની લાશ જનરલ હોસ્પિટલે પહોંચાડવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી હાથ ધરી પંચનામું કર્યું હતું. તેની પાસબુક, પાનકાર્ડ વિગેરેનાં આધારે તેનાં પરિવારજનોને શોધવાની કવાયત હાથ ધરાઇ છે. માનવજયોત સંસ્થા તથા હોટેલ ડોલર પરિવાર અને પાડોશમાં રહેતા લોકોએ તેની ખૂબ સેવા કરી આમ વર્ષોથી એકલી-અટુલી રહેતી શાંતાબેન ઉર્ફે મારૂતી ભગવાનના ચરણે પહોંચી છે. એની એક દીકરી હતી જે પરણિત છે અથવા કયાં છે તેની પણ તપાસ ચાલી રહી છે. બેંક એકાઉન્ટમાં પણ એક લાખની રકમ પાસબુકમાં બોલે છે બેંકમાં વારસદારનું નામ શોધવા પણ પોલીસ તપાસ કરી રહી છે.

(11:46 am IST)