Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની માંગણી

પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરો

કેન્દ્ર-રાજયને કરાઇ રજૂઆત

રાજકોટ, તા.ર૩ : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઇ.પી.એફ.ઓ.ના નિયમાનુસાર કર્મચારીના પગારના ૧ર% રકમ તેના પગારમાંથી અને ૧ર% રકમ માલીક તરફથી ભરવાની હોય છે. જેમાં એમ્પ્લોઇઝ પ્રોવીડન્ટ ફંડના જાહેરનામા અનુસાર કોઇપણ કંપની/પેઢી પી.એફ. નંબર મેળવે અને ધંધાના વિકાસ માટે નવા સ્ટાફની નિમણુંક કરે તો તેવા સંજોગોમાં પી.એફ. નંબર મેળવ્યાના પ્રથમ ત્રણ વર્ષ  સુધી સરકાર તરફથી માલીકના હીસ્સાની ૧૦૦% રકમ (૮.૩૩% પેન્શન ફંડ અને ૩.૬૭% પ્રોવીડન્ટ ફંડ) ભરીને માલીકને લાભ આપવામાં આવતો હતો. આ યોજના ઇ.પી.એફ.ઓ. તરફથી તા. ૯-૮-ર૦૧૬થી લાગુ પાડવામાં આવી. આ યોજના નાની-મોટી કંપનીના માલીકોને ઘણી મદદરૂપ બનતી અને તેથી તેઓ વધારે રોજગારીની તકો ઉભી કરી શકતા હતા. સરકારની આ યોજના ખૂબજ લાભદાયી બની રહેલ અને તેના થકી કંપનીઓને વધુ રોજગારી ઉભી કરવા માટે પ્રોત્સાહન મળતું. જેના કારણે રાજકોટ, સૌરાષ્ટ્ર અને અન્ય રાજયોના કામદારોને પણ રોજગારી મળી રહેલ. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં નાના મોટા યુનિટો કામ કરી રહ્યા છે. જેઓ રાષ્ટ્ર વિકાસ અને રોજગારી ઉભી કરવામાં ખૂબજ અગત્યનો ભાગ ભજવી રહેલ  છે, પરંતુ અત્યારે સરકારના જાહેરનામા મુજબ આ સ્કીમ તા. ૩૧-૩-ર૦૧૯થી બંધ કરવામાં આવેલ છે. જેના લીધે નવી સ્થાપયેલી કંપનીઓને તેના હાલના કામદારોને જાળવી રાખવાનું પણ મુશ્કેલીરૂપ બની ગયું છે. વધુમાં હાલના સમયમાં નાણાકીય કટોકટી, મંદી, મોંઘવારી વગેરે પણ ખૂબ જ વધી ગયેલ છે. આ કારણે પણ ઘણી કંપનીઓને તેનું અસ્તિત્વ જાળવી શકાય તેમ નથી રહ્યું, ત્યારે આ સ્કીમ બંધ થતાં દરેક નાના મોટા યુનિટોને મુશ્કેલી ઉભી થાય એ સ્વાભાવિક છે. આ પરિસ્થિતિમાં સરકારશ્રી તરફથી નાના ઉદ્યોગને વધુ રોજગારીના સર્જન માટે પ્રોત્સાહન મળે તથા મોટા કામદારોને વધુને વધુ કામ મળી શકે તેવી આ સ્કીમ ફરીથી ચાલુ થાય તે ખૂબજ જરૂરી છે અને આ યોજનાની સમયમર્યાદા લંબાવવામાં આવે તેવી અરજ છે. આ સ્કીમ ફરીથી ચાલુ કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ તથા ઉપપ્રમુખશ્રી પાર્થભાઇ ગણાત્રા દ્વારા ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રીય લેબર એન્ડ એપ્લોયમેન્ટ મંત્રીશ્રી સંતોષકુમાર ગંગવાર, કેન્દ્રીય એમએસએમઇ મંત્રીશ્રી નીતિનભાઇ ગડકરી, પ્રોવિડન્ટ ફંડ કમિશનરશ્રી-ન્યુ દિલ્હી તથા ગુજરાત રાજયના લેબર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરને રજુઆત કરવામાં આવેલ છે તેમ અખબારી યાદીમાં જણાવેલ છે.

(4:03 pm IST)