Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ભરણપોષણના કેસમાં વોરંટની બજવણી કરવામાં નિષ્ક્રીય ખંભાતના પી.અઇ.ને જેલમાં બેસાડવા અરજી

કોર્ટના હુકમોનું પાલન કરવાની દરકાર નહીં લેતા પી.આઇ.ને હાજર થવા નોટીશ

રાજકોટ તા ૨૩  : ભરણપોષણના કેસમાં  વોરંટ ની બજવણી ન કરતા ખંભાતના પોલીસ ઇન્સ્પેકટર ને જેલમાં બેસાડવાની અરજી કોર્ટમાં થતા ચકચાર જાગી છે.

અહીંના દુધસાગર રોડ ઉપર આવેલ ત્રીમુર્તી સોસાયટીમાં રહેતી પરણીતા રીઝવાબેન ના લગ્ન ખંભાત મુકામે રહેતા અને દરગાહમાં મુંજાવરનું કામ કરતા સલીમભાઇ ઉમરભાઇ સીદીકી સાથે થયેલ હતા. લગ્ન બાદ પરણીતા પોતાના પતી સાથે રહેવા ગયેલ પછી પતી પત્ની વચ્ચે અણબનાવ ઉત્પન થતા પરણીતા પોતાના પીયરે પરત ફરેલ હતી.  અને તેણે પોતાના એડવોકેટ શ્રી અંતાણી મારફતે રાજકોટની ફેમીલી કોર્ટમાં ભરણપોષણની અરજી કરેલ હતી, જે અરજી ચાલી જતા પરણીતા અને સગીર સંતાનોના કોર્ટે ૩૪૦૦ રૂ. માસીક ભરણ પોષણ મંજુર કરેલ હતું.

આ પછી પતી આ રકમ ભરતો ન હોઇ પત્નીએ ભરણપોષણની રકમની વસુલાત  અરજી રાજકોટની  ફેમીલી અદાલત માં સને ૨૦૧૬ માં અરજી કરેલ છે, તે અરજીમાં પતી ઉપર અદાલતે પકડ વોરંટ કાઢેલ છે અને ખંભાત પોલીસ મારફતે બજવણી માટે મોકલેલ છે.

આ પછી ખંભાત પોલીસ પકડ વોરંટ બજાવતી ન હોઇ અરજદારના વકીલશ્રી અંતાણી મારફતે એક થી વધારે ખંભાત પોલીસે રૂબરૂ વોરંટ ન બજાવવા માટે ખુલાસો કરવા હાજર રહેવાની અરજી આપતા અદાલતે એક થી વધારે કંટેઇમની કારણદર્શક નોટીસો  ખંભાત પોલીસને મોકલવા છતાં પોલીસ કંટેઇમનો જવાબ આપવા પણ હાજર ન રહેલ.

આથી અરજદારે પોતાના વકીલ શ્રી અંતાણી મારફતે ખંભાત પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરને જેલમાં બેસાડવાની કંટેઇમ ઓફ કોર્ટની જોગવાઇઓ મુજબની અરજી આપેલ છે અને ખંભાત પોલીસના પોલીસ ઇન્સ્પેકટરને કાયદાની નીયત ૬ માસની પુરેપુરી સજા કરવા તથા પુરેપુરો દંડ કરવા દાદ માંગેલ છે અને જો પોલીસ ઇન્સ્પેકટર દંડની રકમ ન ભરે તો તેના પગારમાંથી કપાત કરવાની પણ દાદ માંગેલ છે અને અદાલતે પણ કેસનું રેકર્ડ જોઇ કડક વલણ અપનાવી ખંભાત પોલીસના પોલીસ સબઈન્સપેકટરને અદાલતમાં હાજર થવાની નોટીસ આપેલ છે. આમ અનેક જેલમાં બેસાડવાની અરજી થતા અને તેના પર અદાલતે પોલીસને નોટીસ કરતા પોલીસ બેડામાં ચકચાર જાગેલ છે.

ઉપરોકત કેસમાં અરજદાર રીઝવા બહેન વતી એડવોકેટ શ્રી સંદીપ કે. અંતાણી તથા સમીમબેન કુરેશી વકીલ તરીકે રોકાયેલા હતા.

(3:37 pm IST)