Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

છાયા ચંદ્રગ્રહણનો અવકાશી નજારો ખગોળપ્રેમીઓએ નિહાળ્યો : જાથા દ્વારા ફળ કથનની હોળી

પૃથ્વીના પડછાયાથી ચંદ્રની તેજસ્વીતામાં ૦.૫ એમ. ઘટાડો જોવા મળ્યો : અમુક સ્થળે વાદળા વિઘ્નરૂપ બન્યા

રાજકોટ : ગઇ રાત્રે છાયા માધ ચંદ્રગ્રહણનો નજારો ખગોળપ્રેમીઓએ નિહાળ્યો હતો. જન વિજ્ઞાન જાથા દ્વારા વિવિધ સ્થળે ટેલીસ્કોપ - દુરબીન ગોઠવી અવલોકનના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. સાથો સાથ જનજાગૃતિ અર્થે ફળ કથનોની હોળી કરવામાં આવી હતી. ગઇ રાત્રે છાયા ચંદ્રગ્રહણ નિહાળવાના રાજય કક્ષાના કાર્યક્રમનું ઉદ્દઘાટન જાથાના ચેરમેન જયંત પંડયાએ કર્યુ હતુ. નિદર્શન અને ગેરમાન્યતાના ખંડનના કાર્યક્રમમાં ચા-નાસ્તો આરોગી ઉપસ્થિત જાગૃતોને વૈજ્ઞાનિક સમજ આપવામાં આવી હતી. મીમીક્રી આર્ટીસ્ટ ઉમેશ રાવે સ્વાગત અને પરિચય  બાદ રસપ્રદ માહીતી રજુ કરી હતી. જાથાના સહમંત્રી પ્રમોદ પંડયાએ વર્તમાન સ્થિતીનો ચિતાર આપેલ. જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવેલ કે પૃથ્વીનો પડછાયો ૧૩ લાખ ૭૫ હજાર કિ.મી. લાંબો હોય છે. ચંદ્ર આપણાથી ૪ લાખ ૬૦ હજાર કિ.મી. દુર છે. ચંદ્ર નજીક હોવાના કારણે પડછાયામાં આવી જાય છે. આ ખગોળીય ઘટના એજ ગ્રહણ છે. બાકી બધી ઉપજાવી કાઢેલી વાતો ગણાય. આ વખતે છાયા ચંદ્રગહણથી ચંદ્રની તેજસ્વીતામાં ૦.૧૫ એમ. ઘટાડો જોવા મળ્યાનું આ અવલોકનમાં જોવા મળેલ. રાજયમાં જયાં વાદળા વેરી નહોતા બન્યા ત્યાં નરી આંખે છાયા ચંદ્રગ્રહણ જોવા મળેલ. રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહીત અનેક સ્થળોએ અવલોકન નિદર્શન કાર્યક્રમો સફળ રહ્યા હતા. જુની ગ્રહણ સંબંધી માન્યતાઓ સામે જનજાગૃતિ ફેલાવી ફળ કથાનની હોળી કરાઇ હતી. જાથાના ઉમેશ રાવ, હસુભાઇ ટંકારીયા, કમલભાઇ આહુજા, તુષાર રાવ, મનોજભાઇ રાવ, કનુભાઇ ટંકારીયા, સચીન રાવ, વિમીત રાજુભાઇ, પ્રફુલાબેન ઉમેશભાઇ, ભકિતબેન રાજગોર, વિનુભાઇ ઉપાધ્યાય, અંકલેશ ગોહીલ, રોમિત રાજદેવ, રાજુભાઇ યાદવ, રૂચિર કારીઆ, ગૌરવ કારીઆ, ફાલ્ગુન પટેલ, એસ. એમ. બાવા, નિર્ભય જોશી, પ્રમોદ પંડયા વગેરેના નેતૃત્વમાં આ કાર્યક્રમો હાથ ધરાયા હતા. અંતમાં જાથાના નિર્ભય જોશીએ આભારવિધિ કરી હતી. આગામી તા. ૨૧ મી જુનના સુર્ય ગ્રહણ નિદર્શન થશે. તેની જાહેારાત જાથાન દ્વારા કરવામાં આવી હતી.

(2:41 pm IST)