Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

જંકશન રોડ પર ચાની કેબીને સુતેલા યુવાનના ખિસ્સામાંથી ફોન ચોરવાનો પ્રયાસઃ હુમલો

ફકીર યુવાન જાગી જતાં સામે રૂખડીયાપરાના ચાર શખ્સો દેખાયાઃ ચારેયે પૈસા માંગ્યા, ના પાડતાં માર મારી ફોન પડાવી ગયા

રાજકોટ તા. ૬: જંકશન રોડ પર ચાની કેબીને કામ કરતાં અને ત્યાં જ સુઇ રહેતાં ફકીર યુવાનના ખિસ્સામાંથી રૂખડીયાપરાના ચાર શખ્સોએ મોબાઇલ ચોરવાનો પ્રયાસ કરતાં આ યુવાન જાગી જતાં ચારેયએ તેની પાસે પૈસા માંગી બળજબરીથી ફોન પડાવી લઇ પાઇપથી અને ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે દાખલ થયો છે. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે ભગવતીપરા-૪ હુશેની મસ્જીદ સામે રહેતાં અને જંકશન રોડ પર એન્જોય હોટેલની સામે યુનુસભાઇની ચાની કેબીને કામ કરતાં ઇસુબશા ઓસમાણશા શાહમદાર (ફકીર) (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી રૂખડીયાપરાના ઇનિયો ઉર્ફ ઇમ્તિયાઝ અલ્લારખા, આરીફ બસીર બ્લોચ, હુશેન બસીર બ્લોચ તથા આરીફ ઉર્ફ મિની ફકીર સામે ગુનો નોંધ્યો છે.

ઇસુબશાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું જ્યાં કામ કરુ છું એ ચાની કેબીને જ રાતે સુઇ રહુ છું. રાતે બે અઢી વાગ્યે અહિ સુતો હતો ત્યારે મારા ખિસ્સામાંથી કોઇ ફોન કાઢી રહ્યું હોય તેમ જણાતાં હું તરત જ જાગી ગયો હતો. ત્યારે રૂખડીયાપરાનો હુશેન બ્લોચ જોવા મળ્યો હતો. તેના હાથમાં પાઇપ હતો. આ ઉપરાંત ઇનિયો ઉર્ફ ઇમ્તિયાઝ, આરીફ બ્લોચ અને આરીફ ઉર્ફ મીની પણ હતાં. આ ચારેયએ મારી પાસે પૈસા માંગ્યા હતાં.

એ પછી અરીફ બ્લોચે મારા ખિસ્સામાંથી રેડમી નોટ સિકસ પ્રો મોબાઇલ રૂ. ૫ હજારનો બળજબરીથી ખેંચવાનો પ્રયાસ કરતાં મેં સામનો કરતાં હુશેને લોખંડના પાઇપથી મને માર્યો હતો. ગાળો દઇ ઢીકા-પાટુ પણ માર્યા હતાં. મારો ફોન ઝૂંટવી ભાગવા માંડ્યા હતાં. તેમજ ચારેયએ જતાં જતાં 'જો અમારો પીછો કર્યો તો મારી નાંખશું' તેવી ધમકી આપી હતી અને ફોન લઇભાગી ગયા હતાં. દુઃખાવો થતો હોઇ હું ચાની કેબીને જ બેસી રહ્યો હતો અને બાદમાં સુઇ ગયો હતો. એ પછી ચાની કેબીને કામ કરતાં બીજા ભાઇને વાત કરતાં ફરિયાદ નોંધાવવા ગયો હતો.

બનાવ અંગે પીએસઆઇ એમ. બી. ગોસ્વામીએ વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:08 pm IST)