Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

મોતને ભેટેલા ચિત્રકુટધામના જસુમતિબેનને અમદાવાદની ખાનગી હોસ્પિટલના ડોકટર અથવા સ્ટાફ મારફત કોરોના લાગુ પડ્યો'તો

૮ દિવસની સારવારને અંતે દમ તોડ્યોઃ મૃતકના પરિવારના ૯ સભ્યો સમરસમાં કવોરન્ટાઇનઃ રાત્રે બે દિકરાને કોવિડ-૧૯ હોસ્પિટલે બોલાવી અંતિમવિધી કરાવાઇ : રાજકોટ અક્ષર માર્ગ પર રહેતાં વૃધ્ધા ત્રણ મહિનાથી દિકરીના ઘરે અમદાવાદ હતાં ત્યાં પડી જતાં પગના ઓપરેશન માટે ૨૦/૫ના કાકડીયા હોસ્પિટલમાં દાખલ થયા હતાં: ૨૫મીએ રજા લઇ રાજકોટ શિવ હોસ્પિટલમાં દાખલ થયેલાઃ ૨૭મીએ અમદાવાદથી ફોન આાવ્યો કે અમારા ડોકટર-સ્ટાફને કોરોના પોઝિટિવ આવ્યો છે, માજીનો રિપોર્ટ કરાવોઃ ૨૭મીએ તેમને સિવિલમાં દાખલ કર્યા ને ૨૮મીએ તેમનો પણ પોઝિટિવ આવ્યો'તો

જસુમતિબેન લક્ષ્મીદાસ વિષ્નુ (ઉ.વ.૮૮)નું રાતે કોવિડ-૧૯ હોસ્પિટલમાં મોત નિપજતાં મૃતદેહને ખાસ કિટમાં પેક કરી અંતિમવિધી માટે લઇ જવાયો હતો ત્યારના દ્રશ્યો. અંતિમ તસ્વીરમાં જસુમતિબેન નજરે પડે છે

રાજકોટ તા. ૬: કોરોના મહામારીના કેસ રાજકોટમાં એક પછી એક વધી રહ્યા છે. દરમિયાન મોડી રાતે કોરોનાએ વધુ એક જીવ લીધો છે. શહેરના અક્ષર માર્ગ  વિસ્તારની ચિત્રકુટધામ સોસાયટીમાં રહેતાં વૃધ્ધા જસુમતિબેન લક્ષ્મીદાસ વિષ્નુ (રામાનંદી) (ઉ.વ.૮૮)નું મોડી રાતે કોવિડ-૧૯ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજતાં  સ્વજનોમાં શોક છવાઇ ગયો છે. આ વૃધ્ધાને કોરોના કઇ રીતે લાગુ પડ્યો? તેની તપાસ થતાં તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાંથી કોરોના વળગ્યો હોવાની વિગતો સામે આવી છે.

કોરોનાને કારણે મૃત્યુ પામનાર જસુમતિબેન વિષ્નુના બે પુત્રો સહિતના ૯ પરિવારજનો ૨૮/૫થી સમરસ હોસ્ટલમાં કવોરન્ટાઇન હેઠળ છે. માતાને કોરોના કયાંથી લાગ્યો? તેની માહિતી આપતાં પુત્ર દેવેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે-બા જસુમતિબેન લોકડાઉન અમલમાં આવ્યું એ પહેલાથી અમદાવાદ અમારા બહેનના ઘરે હતાં. ત્યાં તેઓ બાથરૂમમાં પડી જતાં પગમાં ઇજા થઇ હતી. ૨૦/૫ના રોજ ત્યાંની કાકડીયા હોસ્પિટલમાં દેખાડતાં પગમાં ઓપરેશન આવશે તેવું કહેવાતાં દાખલ કરવામાં આવ્યા હતાં. એ પહેલા કોરોના ટેસ્ટ કરાવાયો હતો જે નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ ઓપરેશન થયું હતું. એ પછી તેમને હળવો પેરેલિસિસ એટેક પણ આવી ગયો હતો.

૨૫/૫ના રોજ અમારા બાને અમદાવાદથી રાજકોટ લાવ્યા હતાં અને અહિ કરણપરાની શિવ હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. અહિ તેમને આઇસીયુમાં રખાયા હતાં. એ દરમિયાન ૨૭/૫ના રોજ શિવ હોસ્પિટલમાં અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે અમારી (કાકડીયા) હોસ્પિટલના ડોકટર અને સ્ટાફને કોરોના પોઝિટિવ આવ્યો છે, અહિથી ત્યાં મોકલાયેલા જસુમતિબેન વિષ્નુનો પણ રિપોર્ટ કરાવજો.

શિવ હોસ્પિટલના સ્ટાફે આ વિગતો અમને જણાવતાં અમે તુરત જ માતા જસુમતિબેનને ૨૭મીએ બપોરબાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ માટે લઇ ગયા હતાં. જ્યાં સેમ્પલ લેવાયા હતાં અને ૨૮મીએ સવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો હતો. એ પછી તેમને કોવિડમાં દાખલ કરાયા હતાં અને અમને ઘરના ૯ સભ્યોને સમરસ હોસ્ટેલમાં કવોરન્ટાઇન કરવામાં આવ્યા હતાં. ગત રાતે દોઢેક વાગ્યે માતાનું મૃત્યુ થયાની જાણ અમને કરવામાં આવી હતી અને અમને બે ભાઇઓને અંતિમવિધી માટે સિવિલ હોસ્પિટલે બોલાવવામાં આવ્યા હતાં.

દેવેન્દ્રભાઇએ વધુમાં કહ્યું હતું કે અમારા માતાને અમદાવાદની હોસ્પિટલમાંથી જ કોરોના લાગુ પડ્યો હતો. કારણ કે ત્યાંના ડોકટર અને સ્ટાફનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી જ અમારા માતુશ્રીનો રિપોર્ટ કરાવવાનું ત્યાંથી જ જણાવાયું હતું. એ પછી રિપોર્ટ થતાં પોઝિટિવ જાહેર થયો હતો.

મૃત્યુ પામનાર જસુમતિબેનના પતિ સ્વ. લક્ષ્મીદાસ વિષ્નુ રેલ્વેમાં ફરજ બજાવતાં હતાં. તેમને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.

(11:02 am IST)