Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

અયોધ્યામાં યોજાયેલ રામમંદિર ભૂમિપૂજનની ખુશાલીને વધાવતા વકીલો : રાજકોટમાં કોર્ટ નજીક ભવ્ય આતશબાજી

રાજકોટના વિવિધ વકિલ મંડળના વકીલોએ ખુશીની ક્ષણને વધાવી મોઢા મીઠા કર્યા

રાજકોટ તા. ૫ : અયોધ્યામાં આજે શ્રીરામ જન્મભૂમિ ઉપર રામમંદિરના ભવ્ય નિર્માણનું આયોજન કરવા આજે યોજાયેલ ભૂમિપૂજનના કાર્યક્રમની ખુશીમાં રાજકોટ ક્રિમીનલ કોર્ટ પાસે બપોરના ૧૨.૧૫ કલાકે ફટાકડા ફોડી વકીલો દ્વારા ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી.

વર્ષોથી રામજન્મ ભૂમિની જગ્યાએ મંદિર નિર્માણનો પ્રશ્ન સુપ્રિમ કોર્ટમાં અટવાયો હતો. જેનો ચુકાદો આવી ગયા બાદ લગભગ ૫૦૦ વર્ષ જુના આ પ્રશ્નનો આજે આખરે અંત આવ્યો છે.

આજે રામમંદિર માટે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ભૂમિભૂજન યોજાયું છે તેની ખુશાલી સમગ્ર દેશભરમાં થઇ રહી છે અને હિન્દુઓની આસ્થા મુજબ રામમંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે ત્યારે રાજકોટ ક્રિમીનલ બાર એસો. રેવન્યુ બાર એસો. તેમજ નોટરી બાર એસો. કલેઇમ બાર એસો. તેમજ રાજકોટ બાર એસો.ના વકીલોએ આજે કોર્ટ નજીક મોટી સંખ્યામાં ભેગા થઇને ફટાકડા ફોડીને ભવ્ય આતશબાજી સાથે રામજન્મ ભૂમિપૂજનના પ્રસંગની ખુશાલીને રાજકોટ ખાતે મનાવીને દરેક ઉપસ્થિત વકીલોના મીઠા મોઢા કરાવી આતશબાજી કરીને ખુશાલી વ્યકત કરી હતી.

આજના આ કાર્યક્રમમાં બાર કાઉન્સીલના દિલીપભાઇ પટેલ, ક્રિમીનલ બારના તુષારભાઇ બસલાણી, રાજકોટ બારના બકુલભાઇ રાજાણી વિગેરે તેમજ રેવન્યુ બારના સી.એચ.પટેલ, નોટરી બારના ભરતભાઇ આહ્યા, કલેઇમ બારના રાજેશ મહેતા, મનીષભાઇ ખખ્ખર, નવીન શાહ, અતુલ જોષી, દિલીપ મહેતા, વિરેન વ્યાસ, સમીર ખીરા વિગેરે જોડાયા હતા. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:33 pm IST)