Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

જે પોતાના સ્વાદ જીતી લે, સમજવુ તેણે સંસારને જીતી લીધુઃ પુ. નમ્રમુનિ મ.સા.

પૂ. પરમ નમસ્વીજી મહાસતીજીના ૩૧ ઉપવાસ અને પૂ. પરમ પવિત્રાજી મહાસતીજીના ૧૬ ઉપવાસના પારણા

રાજકોટઃ તા.૫, સંયમ અને તપના ભાવોથી તપસ્વી પોતાના દિવસ અને રાત સફલ કરે છે એવા તપધર્મ પ્રત્યે ઉત્કૃષ્ઠ અહોભાવ વ્યકત કરતાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યે પૂજય શ્રી પરમ કૃપાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ નમસ્વીજી મહાસતીજી અને ગુરુભકત શ્રી દિલેશભાઈ ભાયાણીના ૩૧ ઉપવાસ સાથે પૂજય શ્રી પરમ પવિત્રાજી મહાસતીજીના ૧૬ ઉપવાસના પારણાનો અવસર તપસાધનાનો જય જયકાર વર્તાવતા ઉજવાયો.

ગરવા ગઢ ગિરનારના આંગણે એકત્રીસ દિવસ સુધી આહારની આસકિતનો ત્યાગ કરીને ઉગ્ર આરાધના ગુરુકૃપાએ નિર્વિઘ્ને પરિપૂર્ણ કરનારા પરમ કૃપાજી મહાસતીજી (૬ વર્ષના દીક્ષા પર્યાય), પૂજય પરમ નમસ્વીજી મહાસતીજીના(આઠ મહિનાનાં દીક્ષા પર્યાયમાં) અને ગુરુભકત શ્રી દિલેશભાઈ ભાયાણીના માસક્ષમણ તપના પારણાની સાથે પૂજય પરમ પવિત્રાજી મહાસતીજીના(૬ વર્ષના દીક્ષા પર્યાય) ૧૬ ઉપવાસના પારણાનો ઉત્સવ જયારે ઉજવાયો હતો ત્યારે શ્રી સમસ્ત સ્થાનકવાસી જૈન સંદ્યના  ભાવિકો અનુમોદનાના ભાવ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

પૂજય તપસ્વી આત્માઓને આ અવસરે અત્યંત અહોભાવથી અભિવંદના અર્પણ કર્યા બાદ રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવશ્રીએ ઉગ્ર તપશ્યર્યાની અનુમોદના કરીને સમજાવ્યું હતું કે, જેના દિવસ અને રાત તપમાં અને સાધનામાં વીતે છે તેના દિવસ અને રાત સફલ થઈ જાય છે. જે પોતાના સ્વાદને જીતી લે, સમજવું એને સંસારને જીતી લીધો છે. ઉપવાસ જેને આનંદકારી અને પારણા જેને પીડાકારી લાગે તે તપસ્યા સફળ કહેવાય. સાધુ જયારે પણ આહાર કરે ત્યારે સ્વયંની ઈચ્છાથી મુકત થઈને આહાર કરે. જયારે મનથી મુકિત મળી જાય ત્યારે આહાર પણ આરાધના બની જાય છે. છંદનો ત્યાગ તેને શ્રેષ્ઠ તપસ્યા કહેવાય છે.

પૂજય તપસ્વી આત્માઓની અનુમોદના કરતાં સંપ્રદાય વરિષ્ઠા પૂજય પ્રાણકુંવરબાઈ મહાસતીજી, પૂજય વિરમતીબાઈ મહાસતીજી, પૂજય અજીતાબાઈ મહાસતીજી અને પૂજય પુનિતાબાઈ મહાસતીજીએ આશીર્વચન ફરમાવ્યા બાદ શ્રી પ્રવીણભાઈ કોઠારી, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ અને શ્રી અજયભાઈ શેઠે એ તપસ્વીઓના તપની અનુમોદના કરી હતી. પરમ નમસ્વીજી મહાસતીજીના સંસારી સ્વજનો અને સમસ્ત કોલકાતા સંદ્યના ભાવિકોએ નૃત્ય અને સ્તવના દ્વારા તપસ્વીઓ પ્રત્યે અનુમોદનાના ભાવો અર્પણ કર્યા હતા.

(2:50 pm IST)