Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

રામમંદિરના પાયામાં રાજકોટમાં બનેલી ગોલ્ડ પ્લેટેડ અને ચાંદીની ઈંટ મુકાશે

250 ગ્રામની બે અને એક કિલોની એક ઈંટ માત્ર સાત કલાકમાં તૈયાર કરાઈ

રાજકોટ : અયોધ્યામાં નિર્માણ પામનાર રામમંદિરના પાયામાં રાજકોટમાં બનેલી ગોલ્ડ પ્લેટેડ અને ચાંદીની ઈંટ મુકાશે. આ ઈંટ જ પર જ રામલલ્લાના મંદિરનું નિર્માણ થશે. આ માટે કુલ ત્રણ ઈંટ બની છે. જેમાં 250 ગ્રામની બે અને એક કિલોની એક ઈંટનો સમાવેશ થાય છે. આ ઈંટ માત્ર 7 કલાકના સમયમાં જ બનાવવામાં આવી છે.

આ ઈંટ લઈને અયોધ્યા પહોંચેલા હિન્દુ આચાર્ય સભાના પ્રતિનિધિ તરીકે એસ.જી.વી.પી. ગુરુકુળ મંદિરના માધવપ્રિયદાસએ આ અંગે મીડિયાને જણાવ્યું હતું કે, મંદિરના પાયા ખોદવા સહિતનું કામ શરૂ થશે ત્યારે આ ઈંટનો ઉપયોગ થશે. હાલમાં આ ઈંટ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. તો ઈંટ બનાવનાર સોની વેપારી રાજેશભાઈ કાત્રોડિયાએ પણ પોતાનો અનુભવ કહ્યો હતો.

તેમણે જણાવ્યું કે, સોમવારે રક્ષાબંધનના પવિત્ર દિને મને જાણ થઇ કે, રામલલ્લાના મંદિરના પાયાના પથ્થરમાં અર્પણ કરવાની ગોલ્ડ પ્લેટેડ અને ચાંદીની ઈંટ મારે બનાવવાની છે. ત્યારે એમ થયું કે જેના સદભાગ્ય હોય તેને જ આવું સુખ મળે. પણ આટલા ઓછા સમયમાં ઈંટ બનાવવી તે એક મોટો પડકાર હતો. જોકે રામલ્લાએ હિંમત આપી અને તાત્કાલિક ચાંદી અને રો મટિરિયલ્સ ભેગું કરીને ઈંટ નિર્માણની કામગીરી શરૂ કરી હતી.

આ ઈંટ પર જે એસ.જી.વી.પી. ગુરુકુળ ગુજરાત લખવામાં આવ્યું છે તે માટે લેસર ટેક્નિકનો ઉપયોગ કર્યો છે. અમારી કુલ પાંચ કારીગરોની ટીમ આ કામમાં જોડાઈ હતી. જેની ડિઝાઈન સોની ભાઈઓ અને બંગાળી કારીગરોએ તૈયાર કરી છે. રાજકોટ ઉપરાંત અમદાવાદથી પણ આવી ભેટ લઈ જવામાં આવી હોવાનું પણ તેમણે કહ્યું હતું

(1:28 pm IST)