Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

સાંજે ૧૫ ઓગસ્ટની ઉજવણી અંગે કલેકટરની અધ્યક્ષતામાં મીટીંગ : 'કોરોના વોરીયર્સ'ના સન્માન અંગે નામો મંગાવાયા

રેનબસેરા ખાતે કેદીઓ માટે ૫૦ બેડનો અલગ વોર્ડ : હવે લોધીકામાં પણ સીએચસી ખાતે કોવિડ હોસ્પિટલ

રાજકોટ તા. ૫ : રાજકોટ શહેર - જિલ્લામાં આવતા શનીવારે ૧૫મી ઓગસ્ટની ઉજવણી કરવા સંદર્ભે આજે સાંજે ૫ વાગ્યે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને તમામ અધિકારીઓની મીટીંગ બોલાવાઇ છે, જેમાં સરકારની ગાઇડલાઇન મુજબ તમામ બાબતો ફાઇનલ કરી લેવાશે.

અત્રે એ નોંધનીય છે કે સરકારે ૧૫મી ઓગસ્ટની ઉજવણીમાં જિલ્લા કક્ષાએ ૧૫૦, તાલુકા કક્ષાએ ૧૦૦ અને ગ્રામ્ય લેવલે ૫૦ મહેમાનોને જ આમંત્રીત કરવા, સોશ્યલ ડીસ્ટન્સ, ફરજીયાત માસ્ક, સેનેટાઇઝર સહિતના નિયમોનું પાલન કરવા આદેશો કર્યા છે.

રાજકોટ જિલ્લા કક્ષાની ૧૫મી ઓગસ્ટની ઉજવણી રાજકોટ તાલુકામાં ઘંટેશ્વર - એસઆરપી કેમ્પ ખાતે થનાર છે, જ્યાં પૂરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાના હસ્તે ધ્વજવંદન થશે અને શહેરમાં ચૌધરી હાઇસ્કુલ ખાતે ૧૫મી ઓગસ્ટની ઉજવણી થશે અને આ કાર્યક્રમમાં એડીશનલ કલેકટર શ્રી પરિમલ પંડયાના હસ્તે ધ્વજવંદન થશે. બંને કાર્યક્રમો અંગે ૧૪મીએ રીહર્સલ યોજાશે. આ વખતે ૧૫મી ઓગસ્ટની ઉજવણીમાં કોરોના વોરીયર્સનું સન્માન કરવાની સૂચના હોય, કલેકટર તંત્ર દ્વારા દરેક પ્રાંત - મામતલદારને તેમના વિસ્તારમાંથી જે કોરોના વોરીયર્સ હોય અને ખરેખર કામ કર્યું હોય કે કરતા હોય તેમના નામો મોકલવા સૂચના આપી છે.

આ ઉપરાંત સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન, રાષ્ટ્રભકિત ઉપર નૃત્ય સહિતના કાર્યક્રમો યોજવા કે કેમ તે અંગે પણ સાંજે નિર્ણય લેવાશે.

દરમિયાન ગઇકાલે જેલમાં કોરોના કેદી અને સ્થિતિ સંદર્ભે ગઇકાલે મળેલ મીટીંગમાં એવો નિર્ણય લેવાયો હતો કે કોર્પોરેશનના બેડીનાકા પાસે આવેલા રેનબસેરા ખાતે ૫૦ બેડનો કોરોના પોઝિટિવ કેદીઓ માટે અલગથી વોર્ડ બનાવાશે. તાજેતરમાં ૨ થી ૩ કેદી ભાગી છૂટયા બાદ તંત્ર દ્વારા આવો નિર્ણય લેવાયો છે.

આ ઉપરાંત લોધીકા ખાતે પણ સીએચસી સેન્ટરમાં ૩૦ બેડની કોવિડ-૧૯ હોસ્પિટલ તૈયાર કરવા સૂચના અપાઇ છે, જ્યાં આજથી ઓકસીજન લાઇન નાંખવાનું શરૂ કરાશે.

(11:33 am IST)