Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

તેલંગણાના મુખ્યમંત્રી વતન પર વરસ્યા

કોના બાપની દિવાળીઃ CM દરેક પરિવારને આપશે ૧૦-૧૦ લાખ રોકડા

ર૦૦૦ પરિવારોને લાભઃ સરકારી તિજોરી ઉપર ર૦૦૦ કરોડનો જંગી બોજોઃ ૧૦-૧૦ લાખથી ગ્રામિણો ગમે તે ખરીદી શકશે

 હૈદ્રાબાદ તા. ર૩ :.. તેલગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ (કેસીઆર) એ પોતાના પૂર્વજોના ગામ ચિંતામડાકાના તમામ પરિવારોને ૧૦-૧૦ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ગઇકાલે કરેલી એક જાહેરાતમાં રાવે કહયું હતું કે ગામમાં રહેતા તમામ પરિવારોને ૧૦-૧૦ લાખ રૂપિયા આપવામાં આવશે. તેમણે સ્પષ્ટતા પણ કરી છે કે આ પૈસાથી ગ્રામજનો ગમે તે ખરીદી શકશે.

પોતાના વતન ગામમાં આયોજીત એક કાર્યક્રમમાં તેમણે કહયું હતું કે, હું એ જાહેરાત કરૂ છું કે અહીં પ્રત્યેક પરિવારને સરકાર તરફથી ૧૦-૧૦ લાખ રૂપિયા મળશે. આ પૈસાથી તેઓ ઇચ્છે તે ખરીદ કરી શકશે.

ગામ પ્રત્યે પોતાની લાગણી વ્યકત કરતાં તેમણે કહયું હતું કે, હું આ ગામમાં જન્મ્યો છું. એવામાં આ ગામના તમામ ર૦૦૦ પરિવારોને આ યોજના હેઠળ લાભ આપવા માંગુ છું. તેમણે કહયું હતું કે હું ટૂંક સમયમાં રકમને મંજૂરી આપીશ.

કેસીઆરની આ જાહેરાતથી રાજયની તિજોરી ઉપર ર૦૦૦ કરોડનો બોજો પડશે. બીજી તરફ આ ફેંસલાની વિપક્ષે ટીકા કરી છે. ભાજપના નેતા પી. મુરલીધર રાવે કહયું છે કે ફકત એક ગામ નહિ પ્રદેશના બધા લોકોને લાભ મળવો જોઇએ.

મુખ્યમંત્રીએ એવી પણ જાહેરાત કરી હતી કે ગામના બધા ર૦૦૦ પરિવારો માટે નવા ઘર બનાવશે. આ જાહેરાત પાછળ ૪૦૦ કરોડનો ખર્ચ થશે.

સ્વરોજગાર યોજનાથી બધા  પરિવારોને ર૦૦ કરોડની મદદ કરાશે. બાકી ર૦૦ કરોડ ઘર, હોટલ, માર્ગ બનાવવા માટે ખર્ચાશે.

(11:38 am IST)