Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

જુનાગઢમાં ફરી કેસરિયો લહેરાયો :પ૯ માંથી પ૪: કોંગ્રેસનો કચ્ચરઘાણ-માત્ર ૧: NCPનો ઉદય-૪ બેઠક

ભાજપના વિજેતા ઉમેદવારોને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી સહીતના નેતાઓએ શુભેચ્છા પાઠવી : મેયર આદ્યાશકિત મજમુદાર, ડે. મેયર ગિરીશ કોટેચા, પુર્વ ધારાસભ્ય શ્રી મશરૂ, ભાજપ પ્રમુખશ્રી ભીમાણી, મેયર પદના દાવેદાર શ્રી ધીરૂભાઇ ગોહેલ, સંજય કોરડીયા, લલીત સુવાગીયાની પેનલનો જયજયકાર : વિપક્ષી નેતા સતીષભાઇ વિરડા, પુર્વ મેયર લાખાભાઇ પરમાર સહીતના નેતાઓનો કારમો પરાજય, રાજકીય સન્નાટો, વોર્ડ નં. ૪ માં કોંગ્રેસના એક માત્ર ઉમેદવાર મંજુલાબેન પરસાણાનો વિજયઃ એક માત્ર વોર્ડ નં. ૮ માં એનસીપીની પેનલનો વિજય : ભાજપના ઉમેદવારોનો રકાસ

જુનાગઢ કોર્પોરેશનમાં ભાજપના ઉમેદવારોના વિજયના વધામણાઃ જુનાગઢઃ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના વિજયના વધામણા કરવામાં આવ્યા હતા અને કુમકુમ તિલક કરીને સન્માન કરાયુ હતું (તહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ, તા.,ર૩ : જુનાગઢ મનપાની સામાન્ય ચુંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થયો છે. અને કોંગ્રેસના સુપડા સાફ થઇ જતા રાજકીયક્ષેત્રે સન્નાટો છવાઇ ગયો છે. અને એક માત્ર વોર્ડ નં.૮માં એનસીપીના ચાર ઉમેદવારની પેનલનો વિજય થતા અને વર્ડ નં.૪માંથી  કોંગ્રેસના એક જ મહિલા ઉમેદવારનો વિજય થવાથી અપસેટ સર્જાયો છે.

જુનાગઢ કોર્પોરેશનની ૧પ વોર્ડની ૬૦ બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી જેમાં વોર્ડ નં. ૩ માં ૧ ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું જેથી રવીવારે પ૯ બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં આજે પરીણામ જાહેર થતા પ૯ માંથી પ૪ બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે. જયારે ૪ બેઠક એનસીપી અને ૧ બેઠક કોંગ્રેસના ફાળે ગઇ છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પ્રદેશ ભાજપના અધ્યક્ષજીતુભાઇ વાઘાણી પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા ભાજપ મહિલા મોરચાની શ્રીમતી અંજલીબેન વિજયભાઇ રૂપાણી, ચુંટણી ઇન્ચાર્જ નીતીનભાઇ ભારદ્વાજ સહિતના નેતાઓએ ભાજપના વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવ્યા છે.

રવિવારે જુનાગઢ કોર્પોરેશનની ચુંટણી ૪૯.૬૮ ટકા મતદાન થયુ હતુ. આજે સવારે કૃષિ ઇજનેરી કોલેજ ખાતે કલેકટર ડો. સૌરભ પારઘી અને અન્ય ચુંટણી અધિકારીઓની દેખરેખ નીચે મતગણતરીનો પ્રારંભ થયો હતો અને મત ગણતરી શરૂઆતના પ્રારંભીક તબકકાથી જ ભાજપના ઉમેદવારોનો જય જયકાર શરૂ થયો હતો.

મત ગણતરી સ્થળ કૃષિ ઇજનેરી કોલેજ ખાતે મોટી સંખ્યામાં રાજકીય પક્ષો અને આગેવાનો સમર્થકો, કાર્યકરો ઉપરાંત નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. ોકમેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ અને એસઆરપી જવાનોના સંગીન બંદોબસ્ત વચ્ચે  યોજાયેલી મતગણતરીની શરૂઆતમાં જ ભારતીય જનતા પાર્ટીએ વિજયનું ખાતુ ખોલાવ્યુ હતુ. મત ગણતરીના પ્રારંભ કોંગ્રેસ અને એનસીપીના ઉમેદવારનું ખાતુ ખુલ્યુ ન હતુ.

શહેરના વોર્ડ નં.૧૪માં થી ભાજપના મેયર આદ્યશકિતબેન મજમુદાર, કોર્પોરેટર બાલુભાઇ રાડા, કિશોરભાઇ અજવાણી અને કંચનબેન જાદવ વિજેતા થયા છે.

વોર્ડ નં.૧૦માંથી ડે. મેયર ગિરીશભાઇ કોટેચા અને તેમને પેનલના ભાજપના ઉમેદવારો આરતીબેન જોષી, હિતેન્દ્રભાઇ ઉદાણી અને દિવાળીબેન પરમાર વિજયે મેળવ્યો હતો.

વોર્ડ નં.૯માંથી ભાજપન ામેર પદના ઉમેદવાર ધીરૂભાઇ ગોહેલ કોર્પોરેટર એભાભાઇ કટારા, પુર્વ નગર સેવક મોહનભાઇ પરમારના પત્ની ગીતાબેન પરમાર અન ચેતના નરેશકુમાર ચુડાસમાએ પણ વિજય હાસલ કર્યોછે.

આ ઉપરાંત વોર્ડ નં. ર ના ભાજપના ઉમેદવાર લલીતભાઇ સુવાગીયાની પેનલ વિજય થઇ હતી. વોર્ડ નં.૧માંથી નટુભાઇ પટોળીયા, અશોકભાઇ ચાવડા સહિત ભાજપના ચાર ઉમેદવારોની પેનલ વિજય મેળવ્યો હતો. વોર્ડ નં.૪માંથી પ્રુલાબેન ખેરાળા, હરેશ પરસાણા અને ધર્મેશ પોશીયા સહિત ભાજપના ૩ ઉમેદવારો વિજય થયા છે. પરંતુ આ વોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવાર મંજુલાબેન પરસાણાએ ભાજપના ભગવતીબે પુરોહીતને પરાજય આપીને વિજય મેળવતા વોર્ડ નં.૪ ની ભાજપની પેનલ તુટવા પામી છે.

વોર્ડ નં.૧૧માંથી ભાજપના ઉમેદવારો પુર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, શહેર ભાજપના પ્રમુખ શશીકાંતભાઇ ભીમાણી, સ્વ. મેયર જીતુભાઇ હિરપરાના ધર્મપત્ની ભાવનાબેન હિરપરા અને પલ્લવીબેન ઠાકરે વિજય મેળવીને પોતાનું  રાજકીય પ્રભુત્વ સ્થાપિત કર્યુ છે.

વોર્ડ નં.૧રમાંથી મનપા શાસકપક્ષના નેતા પુનિતભાઇ શર્મા, કોર્પોરેટર અરવિંદભાઇ ભીમાણી, હર્ષાબેન ડાંગર અને ઇલાબેન બાલસ સહિત ભાજપના ચારેય ઉમેદવારો વિજય થયા છે.

વોર્ડ નં.૧પમાં મોટા રાજકીય અપસેટ સર્જાયો છે. આ વોર્ડમાંથી કોંગ્રેસ ઉમેદવાર કારમો પરાજય થયો છે. વિરોધપક્ષના નેતા સતીષભાઇ વિરડા, પુર્વ મેયર લાખાભાઇ પરમાર સહિતના નેતાઓ પરાજય સામનો કરવો પડયો છે. આ વોર્ડમાંથીભાજપના ઉેમેદવારો મધુબેન ઓડેદરા, બ્રિજેશાબેન સોલંકી, જીવાભાઇ સોલંકી અને ડાયાભાઇ કટારાની પેનલનો વિજય થયો છે.

જયારે વોર્ડ નં.૮માં એનસીપીના ઉમેદવારો સેનીલાબેન, જેબુનિશાબેન કાદરી, અદ્રેમાનભાઇ પંજા અને વિજયભાઇ વોરા વિજેતા થઇને ભાજપના ચારેય ઉમેદવારોને કારમો પરાજય આપ્યો છે. આમ ભાજપે જુનાગઢ કોર્પોરેશનમાં શાસન જાળવી રાખ્યુ છે અને મતદારોએ કોગ્રેસને જાકારો આપતી રાજકીય હલચલ મચી ગઇ છે.

(3:12 pm IST)