Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

જમ્મૂ-કાશ્મીર હાઇકોર્ટને પેલેટ ગન ઉપયોગ મુદ્દે દોઢ મહિનામાં નિર્ણય કરવા સુપ્રિમકોર્ટની તાકીદ

પ્રદર્શનકારીઓને નિયંત્રણમાં લેવા પેલેટ ગનના ઉપયોગ પર પ્રતિબંધની અરજીમાં ઝડપી નિર્ણય લેવા આદેશ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે જમ્મૂ-કાશ્મીર હાઇકોર્ટને પ્રદર્શનકારીઓને નિયંત્રણ કરવા માટેના પેલેટ ગનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવાની અરજી પર દોઢ મહિનામાં  કોઇ નિર્ણય લેવા જણાવ્યું છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ અનિરુધ્ધ બોસની ખંડપીઠે હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને 4 જૂલાઇના એ પત્રને લઇને કહ્યું કે આ મામલો ખંડપીઠ સમક્ષ મંગળવાર માટે સૂચિબદ્ધ છે.

  આ મુદ્દે જમ્મૂ-કાશ્મીર હાઇકોર્ટ બાર એસોસિયેશનને 2016માં હાઇકોર્ટમાં એક અરજી (PIL) દાખલ કરી હતી અને પ્રદર્શનકારીઓની ભીડ પર પેલેટ ગનના ઉપયોગ પર રોક લગાવવા અપીલ કરી હતી.

  હાઇકોર્ટ બાર એસોસિયેશને પોતાની અરજીમાં જણાવ્યું હતું કે પેલેટ ગનના પ્રયોગથી લોકોને ઇજા પહોંચી રહી છે તેમજ તેઓનું મૃત્યું પણ થઇ રહ્યું છે. ચીફ જસ્ટિસ ગોગોઇની અધ્યક્ષતાવાળી ખંડપીઠે હાઇકોર્ટના રજિસ્ટ્રારનો પત્ર રેકોર્ડમાં લેતા જણાવ્યું કે, અમે હાઇકોર્ટની ખંડપીઠને આ મામલે ઝડપી નિર્ણય લેવા અને છ અઠવાડિયાની અંદર ચુકાદો આપવા આદેશ કરીએ છીએ.

   હાઇકોર્ટે  પોતાના વચગાળાના હુકમમાં પેલેટ ગનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પેલેટ ગનનો વિકલ્પ શોધવા માટે વિશેષજ્ઞોની એક સમિતિનું ગઠન કરી ચૂકી છે.

(10:22 am IST)