Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

બ્યુટી કિલનિકના માલિક ઉપર આરોપ

લગ્નની લાલચ આપી ૪ વર્ષ સુધી રેપ થયાની એક અભિનેત્રીની ફરિયાદ

મુંબઇ, તા.૨૩: લગ્નની લાલચે બ્યુટી કિલનિકના માલિકે ચાર વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ મુંબઈની ૨૪ વર્ષની અભિનેત્રીએ કર્યો હતો. આ પ્રકરણે અભિનેત્રીની ફરિયાદને આધારે મુંબઈ પોલીસે ઝીરો ફરિયાદ નોંધી કેસ ભોપાલના એમ. પી. નગર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદીએ પોતાની ઓળખ અભિનેત્રી તરીકે આપી હતી. ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે ચાર વર્ષ અગાઉ તેની ઓળખાણ મુંબઈના ચુનાભઠ્ઠી વિસ્તારમાં રહેતા અભિનીત સાથે થઈ હતી. ચુનાભઠ્ઠીમાં જ સ્કિન કિલનિક ચલાવનારા અભિનીતે ભોપાલમાં સારી નોકરી અપાવવાની લાલચ ફરિયાદીને આપી હતી. આ સમય દરમિયાન આરોપીએ એક હોટેલમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો, એવું અભિનેત્રીએ ફરિયાદમાં જણાવ્યું હતું.

જોકે બાદમાં લગ્ન કરવાની ખાતરી આપી આરોપીએ ચાર વર્ષ સુધી તેનું જાતીય શોષણ કર્યું હતું. જાન્યુઆરી, ૨૦૧૪થી ડિસેમ્બર, ૨૦૧૮ દરમિયાન આરોપીએ અલગ અલગ શહેરોમાં વારંવાર તેની સાથે બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.

કહેવાય છે કે વારંવાર કહેવા છતાં આરોપીએ લગ્ન ન કરતાં આખરે અભિનેત્રીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણે સમતા નગર પોલીસે ઝીરો ફરિયાદ નોંધી કેસ ભોપાલ પોલીસમાં ટ્રાન્સફર કર્યો હતો. ભોપાલ પોલીસ ટૂંક સમયમાં જ અધિકારીઓની એક ટીમ મુંબઈ મોકલશે અને પીડિતનું નિવેદન નોંધશે.(૨૩.૩)

 

(10:15 am IST)