Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

મુંબઈમાં ભારે વરસાદઃ ઠેર-ઠેર પાણી ભરાયા

સવારથી વરસાદ પડતા જનજીવનને અસરઃ હજુ સત્તાવાર રીતે ચોમાસુ બેઠુ નથી

મુંબઈ, તા. ૬ :. મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે જેને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે અને તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. મળતા અહેવાલો મુજબ શહેરમાં ગઈકાલ રાતથી જ ભારે વરસાદ શરૂ થયો છે.

મુંબઈના પરેલ, દાદર, કુર્લા, હાટકોપર, મલ્લાડ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાનું જાણવા મળે છે. સવારના ભાગે વરસાદ પડતા કામધંધા અર્થે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

મુંબઈમાં આ પ્રિ-મોન્સુન વરસાદ કહી શકાય તેમ છે. ગુરૂવારે અને શુક્રવારે પણ વરસાદ પડયો હતો. શહેરમાં ગુરૂવારે સવારે ૮થી લઈને શુક્રવારે સવારે ૮ સુધીમાં દોઢથી બે ઈંચ વરસાદ ખાબકયો હતો.

મુંબઈમાં હજુ ભારે વરસાદ પડે તેવી શકયતા છે. જો કે સત્તાવાર ચોમાસુ ૧૩મી સુધીમાં મુંબઈમાં આવી પહોંચે તેવી શકયતા છે. શહેરમાં વાતાવરણ ટાઢુબોળ થઈ ગયુ છે અને લોકોને ગરમીમાં ભારે રાહત મળી છે.

થાણેમાં પણ વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાય ગયા છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે પણ વરસાદ પડશે અને લોકોને ગરમીમા રાહત મળશે.

(11:37 am IST)