Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

એક કરોડ રિક્ષા ચાલકોને ઇ-રિક્ષા આપવા વિચારી રહી છે સરકાર

નવી દિલ્હી તા. ૬ : કેન્દ્ર સરકાર એક કરોડથી વધારે સાઇકલ રિક્ષા ચાલકોને ઇ-રિક્ષા આપવાની યોજના બનાવી રહી છે. આના માટે ઓછા વ્યાજદરની લોન તેમને આપવામાં આવશે. આ ઉપરાંત ઇ-રિક્ષાના માલિકી હક્ક આપવા માટે સરકાર નિયમોમાં ફેરફાર કરવા જઇ રહી છે. સરકારના આ નિર્ણયથી મેટ્રો, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન વગેરે જગ્યાએ જવા માટે લોકોને સસ્તી યાત્રા મળી શકશે. રોડ પરિવહન અને નેશનલ હાઇવે મંત્રાલયે સાડા ત્રણ વર્ષ પહેલા સાઇકલ રિક્ષા ચાલકો માટે ઇ-રિક્ષા યોજના શરૂ કરી હતી.

મંત્રાલયને મળેલ ફીડબેક અનુસાર, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, ચંદીગઢ, કર્ણાટક, તમિલનાડુ, ગોવામાં છેલ્લા વર્ષોમાં ઇ-રિક્ષાનું રજીસ્ટ્રેશન નહિવત રહ્યું છે. દિલ્હીમાં ૧,૫૦,૦૦૦, બંગાળમાં સવા લાખ અને આસામમાં લાખોની સંખ્યામાં ગેરકાયદેસર ઇ-રિક્ષાઓ રોડ પર દોડી રહી છે. સરકાર ઇ-રિક્ષા યોજના પર માફિયાનો કબ્જો દુર કરવા માટે ગરીબોને ૪ ટકા ઓછા દરે લોન ઉપલબ્ધ કરાવવા જઇ રહી છે.

સરકાર લોન અંગેનો નિયમ જલ્દી બનાવશે જેથી ગરીબોને એકથી દોઢ લાખની કિંમતની ઇ-રિક્ષા ઉપલબ્ધ કરાવી શકાય. મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, દેશભરમાં એક કરોડ ગરીબોને ઇ-રિક્ષા અપાવવા માટે લોન આપવામાં આવશે. સરકારની કોશિષ છે કે જે ઇ-રિક્ષા ચલાવે તે જ તેનો માલિક હશે એટલે કે જેના નામે લાઇસન્સ હશે તે જ તેને ચલાવી શકશે. આના માટે પણ નવા નિયમો બનાવાશે.

(10:07 am IST)