Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ભારત 'રામનગર' બની ગયું છે, સેકયુલરિઝમ નથી રહ્યું

રામમંદિર નિર્માણથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ

ઇસ્લામાબાદ તા. ૫ : આજે અયોધ્યામાં પીએમ નરેન્દ્ર મોદીએ રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યુ છે. જેનાથી પાકિસ્તાન હચમચી ગયુ છે. ઈમરાન ખાન સરકારના રેલ મંત્રી શેખ રશીદે મોદી સરકારની ટિકા કરતા કહ્યું કે તેને સાંપ્રદાયિક કરાર કરી દીધું છે. રશીદે એક નિવેદનમાં કહ્યું કે ભારત હવે રામનગર થઈ ગયુ છે. ત્યાં સેકયુલરિજમ નથી રહ્યું. આ પહેલા અયોધ્યાનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો રામ મંદિરના પક્ષમાં આવ્યો હતો. ત્યારે રશીદે કહ્યું હતું કે ભારતમાં હવે હિંદુવાદી તાકાતો હાવી થઈ ગઈ છે.

ઈમરાનના રેલ મંત્રી શેખ રશીદે કહ્યું કે ભારતમાં સેકયૂલરિઝમ પર જ સવાલ ઉઠી રહ્યા છે. કહ્યું કે ભારત હવે રામ નગરમાં પરિવર્તિત થઈ ચૂકયું છે. ત્યાં સાંપ્રદાયિકતા વધી રહી છે અને ધર્મ નિરપેક્ષતા એટલે કે સેકયુલરિજમ ખતમ થઈ રહ્યુ છે. સ્પષ્ટ શબ્દોમાં કહુ તો ભારત હવે સેકયુલર રહ્યુ નથી. ત્યાં લઘુમતિઓને તકલીફ થઈ રહી છે. ભારત હવે હિંદુત્વમાં ઢળી ગયું છે.

રશીદે કાશ્મીરી રાગ આલાપતા કહ્યુ કે આ સંયોગ જ છે કે જે દિવસે મોદીએ રામ મંદિરનું પૂજન કરશે તે જ દિવસે જમ્મુ- કાશ્મીરમાંથી ૩૭૦ હટ્યાને એક વર્ષ પુરૂ થયું છે. કેન્દ્ર સરકારે ગત ૫ ઓગસ્ટના રોજ ૩૭૦ હટાવી હતી. આ સાથે કાશ્મીરનો વિશેષ રાજયનો દરજ્જો છીનવાયો હતો.રશીદે કહ્યું કે પાકિસ્તાનના મુસલમાન કાશ્મીરીઓની સાથે ઉભા છે. ભારત તેને નક્કી કરવાની તક આપે કે તે કોની સાથે જવા માંગે છે.

(4:25 pm IST)