Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

સુશાંતસિંહ કેસ CBIને સોંપાયો

કેન્દ્રએ સ્વીકારી બિહાર સરકારની ભલામણ

નવી દિલ્હી તા. ૫ : સુશાંત સિંહ રાજપૂત કેસમાં બિહાર સરકારે મંગળવારે કેન્દ્રને સીબીઆઈ તપાસ માટેની ભલામણ મોકલી હતી. હવે કેન્દ્રએ બિહાર સરકારની આ ભલામણને સ્વીકારી છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારના વકીલે કહ્યું કે, સુશાંત સિંહ કેસની તપાસ તેમણે સીબીઆઈને ટ્રાન્સફર કરી દીધી છે. હવે સીબીઆઈ આ કેસની તપાસ કરશે.

કેન્દ્ર સરકારના વકીલ એસ.જી. તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, સીબીઆઈ પાસે આ કેસની તપાસ કરાવવાની બિહાર સરકારની ભલામણ સ્વીકારવામાં આવી છે. જયારે રિયા ચક્રવર્તીએ પણ પોતાની સામે સુશાંતના પિતા દ્વારા દાખલ થયેલો કેસ પટનાથી મુંબઈ ટ્રાન્સફર કરવાની અરજી કરી છે. જેની સુપ્રીમમાં સુનાવણી થઈ રહી છે. આ અરજી પર ન્યાયાધીશ ઋષિકેશ રાયની બેંચ સુનાવણી કરી રહી છે.

બિહાર પોલીસ મુંબઇ પહોંચી અને પૂછપરછ કરવા લાગી. જયારે તેમના અધિકારક્ષેત્રમાં આ આવતું નથી, તો મુંબઈ પોલીસ પહેલેથી જ કાર્યવાહી કરી રહી છે. રિયાના વકીલ શ્યામ દિવાને કહ્યું કે બિહારમાં નોંધાયેલી એફઆઈઆર મુંબઈ ટ્રાન્ફર કરવી જોઈએ. શ્યામ દિવાને દલીલ કરી હતી કે સુશાંત સિંહના મૃત્યુ મામલે મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં ૫૯ લોકોના નિવેદનો નોંધ્યા છે.

ન્યાયાધીશ ઋષિકેશ રાયએ કહ્યું કે, સુશાંત સિંહ ખૂબ પ્રતિભાશાળી અને ઉભરતા કલાકાર હતા અને તેમનું રહસ્યમય મૃત્યુ આઘાતજનક છે. ન્યાયાધીશ ઋષિકેશ રાયએ કહ્યું કે આ તપાસનો વિષય છે. તેમણે કહ્યું કે, જયારે કોઈ હાઇ પ્રોફાઇલ કેસમાં કોઈનું મૃત્યુ થાય છે ખાસ કરીને ફિલ્મ જગતમાં ત્યારે દરેકનો પોતાનો દ્રષ્ટિકોણ જુદો હોય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સીબીઆઈ તપાસ માટે મહારાષ્ટ્ર સરકારે જવાબ આપવો પડશે. અમે નક્કી કરીશું કે આ મામલે કોણ તપાસ કરશે.

સુશાંતના પિતા કે.કે.સિંહે ૨૫ જુલાઈએ પટનામાં રિયા ચક્રવર્તી વિરૂદ્ઘ તેના દીકરાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવી કેસ ફાઈલ કરાવ્યો હતો. સુશાંતના પરિવારે રિયા પર સુશાંતના અકાઉન્ટમાંથી ૧૫ કરોડ રૂપિયા લેવાનો આરોપ પણ લગાવ્યો છે. આ કેસમાં તપાસ માટે ચાર પોલીસ ઓફિસરની ટીમ બિહારથી મુંબઈ આવી છે. આ સિવાય રવિવારે પટનાથી કેસમાં તપાસ કરવા માટે આવેલ SP વિનય તિવારીને BMCએ બળજબરીપૂર્વક કવોરન્ટીન કરી દીધા છે. બિહાર પોલીસને હજુ રિયાનું સ્ટેટમેન્ટ મળ્યું નથી.

જણાવી દઈએ કે, ૧૪ જૂને સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં બાંદ્રા સ્થિત પોતાના ફલેટમાં ગળેફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંત સિંહના પરિવારજનોએ ૨૮ જુલાઈએ પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરૂદ્ઘ FIR કરી હતી.

(4:27 pm IST)