Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

રામલલ્લાના દર્શન કરનાર પીએમ મોદી દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા

શાસ્ત્રોકત વિધિથી કર્યું રામમંદિરનું ભૂમિપૂજન

અયોધ્યા તા. ૫ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રામ મંદિરના શિલાન્યાસ માટે અયોધ્યા પહોંચ્યા હતા. વડા પ્રધાન મોદી આઝાદી બાદનાં એવાં પહેલા વડા પ્રધાન છે કે જેઓએ રામલલ્લાનાં દર્શન કર્યા હતા. જો કે, આ અગાઉ નરેન્દ્ર મોદીથી પહેલાં ઈન્દિરા ગાંધીથી લઈ રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપેયી પણ વડા પ્રધાન રહેતાં અયોધ્યાની મુલાકાતે આવ્યા હતા. પણ તેઓએ રામ જન્મભૂમિથી દૂરી બનાવી રાખી હતી. રામલલ્લાનો મામલો કોર્ટમાં ચાલી રહ્યો હોવાથી તેઓએ રામલલ્લાની મુલાકાતથી દૂર રહ્યા હતા.

પીએમ મોદી આ અગાઉ બે વખત અયોધ્યાની મુલાકાતે આવી ચૂકયા છે. પહેલી વખત પીએમ મોદી ૧૯૯૨માં અયોધ્યામાં આવ્યા હતા. અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં અયોધ્યા જિલ્લામાં જનસભાને સંબોધન કરવા માટે પીએમ મોદી અયોધ્યા આવ્યા હતા. પણ તેઓએ રામલલ્લાના દર્શન કર્યા ન હતા. ૨૯ વર્ષ બાદ પીએમ મોદી રામ જન્મભૂમિ આવ્યા હતા. ૨૯ વર્ષ પહેલાં પત્રકારે સવાલ કર્યો હતો કે, હવે ફરી કયારે રામ જન્મભૂમિની મુલાકાત કરશો. તે સમયે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, રામ મંદિર બની ગયા બાદ હું મુલાકાત કરીશ.

દેશની આઝાદી બાદ પહેલીવાર વડા પ્રધાન બનવા પર ઈન્દિરા ગાંધીએ ૧૯૬૬માં અયોધ્યાની મુલાકાત કરી હતી. અયોધ્યામાં નયા ઘાટ પર બનેલાં સરયૂ પૂલના લોકાર્પણ માટે ઈન્દિરા ગાંધી અયોધ્યા પહોંચ્યા હતા. પણ આ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ તે પરત નીકળી ગયા હતા. અને બીજી વખત ૧૯૭૯માં ઈન્દિરા ગાંધી અહીં આવ્યા હતા, પણ તે સમયે હનુમાનગઢીમાં બજરંગબલીની પૂજા અર્ચના કરી હતી. અને ૧૯૭૫માં ત્રીજી વખત આચાર્ય નરેન્દ્રદેવ કૃષિ એવં પ્રૌદ્ઘોયોગિક વિશ્વવિદ્યાલયનનો શિલાન્યાસ કર્યો હતો. પણ એકપણ વખત ઈન્દિરા ગાંધીએ રામલલ્લાના દર્શન કર્યા ન હતા.

રાજીવ ગાંધી વડા પ્રધાન રહેતાં બે વખત અયોધ્યા આવ્યા હતા. રાજીવ ગાંધી પીએમ હતા તે સમયગાળા એટલે કે ૧૯૮૬માં બાબરી મસ્જિદનું તાળું ખૂલ્યું અને ૧૯૮૯માં રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ૧૯૮૪માં રાજીવ ગાંધીએ અયોધ્યામાં ચૂંટણી જનસભા સંબોધી હતી. અને ૧૯૮૯ની લોકસભા ચૂંટણીમાં અહીંથી ચૂંટણી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. અહીંથી ચૂંટણી પ્રચાર શરૂ કરવાનો ઉદ્દેશ રાજનૈતિક લાભ લેવાનો હતો. અને આ બાદ વિપક્ષમાં રહેતાં ૧૯૯૦માં સદભાવના યાત્રા દરમિયાન અયોધ્યા આવ્યા હતા. પણ રામલલ્લાના દર્શન-પૂજા કર્યા ન હતા. ૨૦૧૬માં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ હનુમાનગઢીમાં બજરંગબલીના દર્શન કર્યા હતા.

બીજેપીના પહેલાં વડા પ્રધાન બનેલાં અટલ બિહારી વાજપેયી અયોધ્યા અનેક વખત ગયા હતા. પણ વડા પ્રધાન રહેતાં તેઓ ફકત ૨ વખત જ અયોધ્યા ગયા હતા. ૨૦૦૩માં મંદિર આંદોલનનો પ્રમુખ ચહેરો રહેલાં રામચંદ્રદાસ પરમહંસના નિધન પર તે અયોધ્યા ગયા હતા. સરયૂ તટ પર તેઓએ પરમહંસને શ્રદ્ઘાંજલિ અર્પણ કરતાં કહ્યું હતું કે, રામ મંદિરનું સ્વપન અવશ્ય પૂરું થશે. આ અગાઉ ૨૦૦૪માં પણ તેઓ ચૂંટણી સભાને સંબોધન કરવા ત્યાં પહોંચ્યા હતા. પણ તેઓએ રામ જન્મભૂમિ સ્થળની મુલાકાત લીધી ન હતી.

(3:42 pm IST)