Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

બૈરૂત બ્લાસ્ટ : ૭૮ લોકોનાં મૃત્યુ : ૪૦૦૦થી વધારે ઘાયલ

ચારેબાજુ શબ વિખરાયેલા છે અને મોટાં પ્રમાણમાં નુકસાન થયું છે

 બૈરૂત,તા.૫ : લેબનનની રાજધાની બૈરુત વિકરાળ બ્લાસ્ટના કારણે હચમચી ગયું છે, જેમાં ૭૮ જેટલા લોકોનાં મૃત્યુ થયા છે અને ૪૦૦૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

અહેવાલો પ્રમાણે શહેરના પોર્ટ વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો. અહેવાલો એવું પણ નોંધે છે કે એક બ્લાસ્ટ બાદ બીજો બ્લાસ્ટ પણ થયો હતો. જોકે આ બાબતે હજી ખરાઈ થઈ શકી નથી.

લેબનનના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે અત્યાર સુધી કમ સે કમ ૭૮ લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે અને ૪૦૦૦ લોકો ઘાયલ થયા છે. લેબનનના વડા પ્રધાન હસન દિઆબે બુધવારે રાષ્ટ્રીય શોકની દ્યોષણા કરી છે.

અધિકારીઓનું કહેવું છે કે એક ગોદામમાં ભારે માત્રામાં વિસ્ફોટક સામગ્રી સંઘરવામાં આવી હતી અને ત્યાં બ્લાસ્ટ થયો છે. રાષ્ટ્રપતિ માઇકલ ઇયોને ટ્વીટ કરી કહ્યું છે કે ૨૭૫૦ ટન વિસ્ફોટક નાઇટ્રેટ અસુરક્ષિત રીતે રાખવામાં આવ્યો હતો એ સ્વીકારી શકાય એવી વાત નથી.

ઘટનાસ્થળે હાજર બીબીસી પત્રકારનું કહેવું છે કે ચારેબાજુ શબ વિખરાયેલા છે અને મોટાં પ્રમાણમાં નુકસાન થયું છે.

વડા પ્રધાન હસન દિઆબે આને ભયાનક ઘટના ગણાવી છે અને કહ્યું છે કે દોષીઓને છોડવામાં નહીં આવે.

સોશિયલ મીડિયામાં શેર થઈ રહેલા વીડિયોમાં ધુમાડાના ગોટેગોટા અને તૂટી પડેલી ઇમારતો નજરે પડે છે.

આ બ્લાસ્ટ ૨૦૦૫માં લેબનનના પૂર્વ વડા પ્રધાન રફીક હરીરીની હત્યાની તપાસ અને અદાલતી સુનવણીનો ચુકાદો આવે તે પહેલાં થયો છે.

કાર-બોમ્બ દ્વારા ૨૦૦૫માં હરીરીની હત્યા કરવામાં આવી હતી. સંયુકત રાષ્ટ્રનું એક ટ્રિબ્યૂનલ આ હત્યાના કેસમાં શુક્રવારે ચુકાદો સંભળાવવાનું હતું. આમાં ચાર સંદિગ્ધ ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ સમૂહના છે.

જોકે તેઓ આ હુમલામાં સામેલ થવાનો ઇનકાર કરી રહ્યા છે. હરીરીના ઘરની બહાર એક બીજો બ્લાસ્ટ થવાની વાત પણ કહેવામાં આવી રહી છે.

ચારે સંદિગ્ધ આરોપી શિયા મુસ્લિમ છે અને તેમની સામે અદાલતી કાર્યવાહી નેધરલેન્ડમાં ચાલે છે. હરીરીને જયારે કાર-બોમ્બ દ્વારા મારવામાં આવ્યા ત્યારે બીજા ૨૧ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

લેબનનના સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે આજે થયેલા બ્લાસ્ટમાં જાન-માલને ઘણું નુકસાન થયું છે. સ્થાનિક મીડિયામાં જોવા મળી રહ્યું છે કે લોકો કાટમાળ નીચે દબાયેલા છે. દ્યટનાના એક સાક્ષીએ કહ્યું કે પહેલો બ્લાસ્ટ બહેરો કરી દે તેવો હતો.

હાલ સુધી બ્લાસ્ટનું કારણ ધ્યાને આવ્યું નથી. લેબનનમાં ગત કેટલાક સમયથી સરકારની સામે વિરોધપ્રદર્શન થઈ રહ્યા છે.

લેબનન ૧૯૭૫-૧૯૯૦માં ગૃહયુદ્ઘ પછી સૌથી મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને લોકો સરકારની સામે વિરોધ કરવા રસ્તા પર ઊતર્યા છે.

(3:46 pm IST)