Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

અમેરિકામાં બે ભારતીય યુવકોએ એકબીજા સાથે લગ્ન કર્યા

ન્યૂજર્સી,તા.૨૩: અમેરિકાના ન્યૂજર્સી શહેરમાં ભારતીય મૂળના બે યુવક અમિત અને આદિત્યએ સમલૈંગિક વિવાહ કર્યા છે. બંન્ને ન્યૂજર્સીના સ્વામિનારાયણ મંદિરમાં લગ્ન કરીને હંમેશા માટે એકબીજાના થઈ ગયા છે. આ લગ્નમાં દુનિયાભરમાં સમલૈંગિક સંબંધો રાખનારા લોકોને એક આશા જાગી છે કે પ્રેમ આઝાદ છે અને એક દિવસ તેમને પણ આ કરવાની મંજૂરી મળશે.

આ કપલને સોશિયલ મીડિયા પર ખૂબ શુભેચ્છાઓ મળી રહી છે અને તેમના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે અમિત અને આદિત્યની મુલાકાત એક જગ્યાએ મુલાકાત થઈ અને ત્યારબાદ એકબીજાનો કોન્ટેકટ નંબર શેર કર્યો અને પછી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.

પોતાના સંબંધને લઈને અમિત અને આદિત્યએ મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જયારે અમે એકબીજાને ડેટ કરી રહ્યા હતા ત્યારે અમને સહેજ પણ નહોતું લાગતું કે અમે લગ્ન કરીશું પરંતુ સમયની સાથે અમે અનુભવ્યું કે અમલોકો એકબીજા માટે જ બન્યા છીએ અને ત્યારબાદ અમે પોતાના માતા-પિતા સાથે વાત કરી અને લગ્નની ઈચ્છા વ્યકત કરી.

બંન્નેની દોસ્તી આગળ વધી અને પછી લાગણીઓનો ધોધ વહેવા લાગ્યો અને ૩ વર્ષના ડેટિંગ બાદ બંન્નેએ એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. આ લોકોના લગ્ન બાદ ટ્વીટર પર કેટલાક લોકોએ ગેરવ્યાજબી કોમેન્ટ્સ પણ કરી અને કેટલાક લોકો આ લોકોના વખાણ કર્યા. હરીશ ઐય્યર નામના એક વ્યકિતએ લખ્યું કે અમિત અને આદિત્યને લગ્ન જીવનની શુભકામનાઓ. દોસ્તો એક દિવસ એવો આવશે જયારે આપણે અનુભવીશું કે તેમણે સમલૈંગિક વિવાહ નહી પરંતુ લગ્ન કર્યા છે.

(3:52 pm IST)