Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

સરકારની પોલ ખોલતા ધારાસભ્ય નૌશાદ સોલંકી

દસાડા વિસ્તારમાં નર્મદાની કેનાલો છે પણ બિલકુલ પાણી મળતુ નથી

ગાંધીનગર, તા.૨૩: વિધાનસભામાં નર્મદા વિકાસ યોજનાની બજેટની માંગણી પરત્વે દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા કોંગ્રેસના સમયમાં અત્યંત વિકટ પરિસ્થિતિમાં નર્મદા ડેમના પાયાનું બાંધકામ કઇ રીતે કર્યુ તેની તલસ્પર્શી છણાવટ કરવામાં આવી. એ સમયમાં ટેકનોલોજીના અભાવમાં નર્મદા નદીના પ્રચંડ પ્રવાહને ડાયવર્ટ કરવા કોફર ડેમનું નિર્માણ કરી ઇજનેરી કૌશલ્યની મીશાલ બેસાડેલ તેમ જણાવી તેમણે પંડિત જવાહરલાલ નહેરૂને યાદ કર્યા. કોંગ્રેસના સમયમાં ડેમના ફાઉન્ડેશનથી લઇને ૧૧૫ મીટર સુધીની ઊંચાઇનું બાંધકામ કરવામાં આવ્યું. ભાજપની સરકારે માત્ર ૪૮ મીટર ઉંચાઇ વધારવાનું કામ કર્યુ છે. આમ જણાવીને નર્મદા ક્ષેત્રે કોંગ્રેસનું યોગદાન વધારે છે.

 

તત્કાલીન નર્મદાના ચેરમેન સ્વર્ગીય સનતભાઇ મેહતાને યાદ કરીને જણાવ્યું કે દસાડા વિધાનસભા મતવિસ્તારમાં દસાડા, પાટડી, લખતર અને લીંબડીના નળકાંઠા વિસ્તારમાં નર્મદાની મહત્તમ બ્રાંચ કેનાલો આવેલી છે જેમ કે સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ, માળિયા બ્રાંચ કેનાલ, ઝીંઝુવાડા બ્રાંચ કેનાલ ગોરૈયા બ્રાંચ કેના, ખારાઘોડા બ્રાંચ કેનાલ, વલ્લભીપુર બ્રાંચ કેનાલ, લીંબડી બ્રાંચ કેનાલ અને ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ આવેલી છે. અને આ બ્રાંચ કેનાલોમાંથી અનેક ડીસ્ટ્રીબ્યુટરી તથા માયનોર અને સબ માયનોર કેનાલોનું વિશાલ નેટવર્ક પથરાયેલું છે. તેમ છતાં આ વિસ્તારના ખેડૂતો સિંચાઇના પાણી માટે વલખા મારી રહ્યા છે. એક તરફ બિલકુલ વરસાદ નથી અને સંપૂર્ણ અછતની પરિસ્થિતી છે ત્યારે બીજી તરફ ખેડૂતોના ગામ સુધી કેનાલ તો બની ગઇ છે પરંતુ પાણીનું ટીપું મળતું નથી. કેનાલોમાં જેટલું પાણી છોડવામાં આવે છે તેટા પાણીથી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલોના શરૂઆતના બે કે ત્રણ ગામ સુધી માંડ માંડ પાણી પહોંચે છે જયારે આ કેનાલોના આખરી ગામોમાં પાણી પહોંચતું જ નથી. અને પાછા આ કેનાલોમાં ત્રણ ત્રણ દિવસોના વાર કરવામાં આવ્યા છે. આથી હજી તો ગામના પાદરમાં પાણીનો નાનો રેલો આવ્યો પણ ના હોઇને પાણી બંધ થઇ જાય. આમ ગામડાનો ખેડૂત પાણી માટે વલખા મારતો નિઃસાસો નાખતો જોતો રહી જાય છે. તેમ નૌશાદ  સોલંકીએ જણાવ્યુ છે.

 

(12:12 pm IST)