Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

બુધ-ગુરૂ ગુજરાત - મહારાષ્ટ્રમાં સારો વરસાદ થશે : રવિવારે સાર્વત્રિક વરસશે

કાલે પહાડી પ્રદેશો, પશ્ચિમ યુપી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, એમ.પી.માં પણ વરસાદ ખાબકશે : સ્કાયમેટ

નવી દિલ્હી, તા. ૨૩ : આવતીકાલે બુધવારે અને ગુરૂવારે ગુજરાતમાં તેમજ મહારાષ્ટ્રમાં સારો વરસાદ પડશે. જયારે આવતા રવિવારે સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાનની ખાનગી સંસ્થા સ્કાયમેટે જણાવ્યુ છે કે ઉત્તર ભારતના પહાડી વિસ્તારો અને મેદાની વિસ્તારોમાં ૨૪મી જુલાઈના વરસાદની સંભાવના છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, પશ્ચિમ યુ.પી., હરીયાણા, પંજાબ અને રાજસ્થાનમાં ભારે વરસાદ પડશે. આ વિસ્તારોમાં ૨૭મી જુલાઈથી વરસાદી જોર ઓછુ થશે પણ રાજસ્થાનના ઉત્તર - પૂર્વ ભાગોમાં આ સપ્તાહના અંતિમ દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે.  મધ્ય ભારતના છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ પૂર્વ રાજસ્થાનમાં આજે વરસાદ પડશે. કાલે મધ્યપ્રદેશમાં વરસાદનું જોર વધશે. ઉત્તરપ્રદેશમાં પણ વરસાદની સંભાવના છે. બીજી તરફ ગુજરાત અને મહારાષ્ટ્રમાં તા.૨૪, ૨૫ જુલાઈના વરસાદની સંભાવના છે. મહારાષ્ટ્રમાં તા.૨૬ અને ૨૮ જુલાઈના ગુજરાતના પૂર્વ ભાગો અને રાજસ્થાનમાં સારો વરસાદ પડશે. જયારે ૨૮મી જુલાઈના સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે.

ઉત્તરપ્રદેશના પૂર્વ ભાગો બિહાર અને ઝારખંડના અમુક ભાગોમાં આજે અને કાલે સારો વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન બિહાર અને ઉત્તરપ્રદેશમાં વરસાદનું જોર ઘટી જશે.

જયારે કર્ણાટક અને કેરળમાં પણ તા.૨૪,૨૫ જુલાઈના વરસાદની ગતિવિધિ ધીમી પડી જશે. પરંતુ તેલંગણામાં વરસાદનું જોર વધી જશે. હૈદ્રાબાદ સહિતના રાજયોમાં ભારે વરસાદ જોવા મળશે.

(11:51 am IST)