Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

શાળાઓ નહીં ખુલે ત્યાં સુધી માત્ર ટ્યૂશન ફી લઇ શકાશે

ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો : વાલીઓ અને સંચાલકોને સાંભળીને આગામી દિવસોમાં હાઈકોર્ટમાં સરકાર દ્વારા નવો પરિપત્ર રજૂ કરવામાં આવશે

અમદાવાદ, તા. ૫ : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો શાળાની ફીનો મુદ્દો હવે ઉકેલાય તેવી વકી છે. આજે ગુજરાત હાઇકોર્ટે આ અંગે સરકારી પરિપત્ર વિરુદ્ધ શાળા સંચાલકોની અરજી સાંભળતા એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ઓનલાઈન શિક્ષણ બાબતે હાઇકોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યુ કે સ્કૂલોની સંપૂર્ણ ફી માફીનો નિર્ણય વધુ પડતો છે સરકારી સ્કૂલ સંચાલકો સાથે વાટાઘાટો કરી સૌના હિતમાં નિર્ણય લઇ ટ્યુશન ફી મુદ્દે નવો ઠરાવ પ્રસિદ્ધ કરે. હાઈ કોર્ટે રાજ્ય સરકારને ફી મુદ્દે નવો પરિપત્ર બહાર પાડવા આદેશ કર્યો છે, સાથે જ કહ્યુ છે કે સંચાલકો અને વાલીઓ નું હિત જળવાઈ રહે તે મુજબનો પરિપત્ર રાખવા સરકાર ને ટકોર કરી છે. સંચાલકો ફી અંગે સરળ હપ્તાની વ્યવસ્થા કરે અને ટયુશન ફી સિવાય ની અન્ય ફી સંચાલકો નહિ લઇ શકે તેવું પણ હાઇકોર્ટે નિર્દેશ આપ્યા છે.

             ફી અંગેના સરકારના નિર્ણયને સંચાલકોએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. તેને લઈને અગાઉ જ્યાં સુધી સ્કુલ ન ખુલે ત્યાં સુધી ફી ન લેવાના સરકારના પરિપત્રને હાઇકોર્ટે રદ્દ કર્યો હતો. હવે વાલીઓ અને સંચાલકોને સરકાર સાંભળીને આગામી દિવસોમાં કોર્ટમાં નવો પરિપત્ર સરકાર રજૂ કરશે. રાજ્યમાં હાલમાં કોરોના મહામારીના કારણે શાળાઓ બંધ છે. તેવામાં સરકારે ખાનગી શાળાઓને જ્યાં સુધી શાળા ન ખૂલે ત્યાં સુધી ફ્રીમાં એજ્યુકેશન આપવાનો આદેશ આપ્યો હતો. એટલે કે શાળાઓ ન ખૂલે ત્યાં સુધી ફી ન લેવાનો પરિપત્ર કરવામાં આવ્યો હતો. આ મુદ્દે સરકારના પરિપત્ર વિરુદ્ધ શાળાઓએ ઑનલાઇન એજ્યુકેશન આપવાનું બંધ કરવાનો નિર્ણય લીધો હતો. વળી શિક્ષણ ન બગડે તે માટે ફરી શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કરી અને હાઇકોર્ટમાં સરકારના ચુકાદાને પડકાર્યો હતો. આ મામલે પ્રથમ સુનાવણીમાં હાઇકોર્ટે સરકારનો સંપૂર્ણ ફી ન લેવાનો પરિપત્ર રદ કરવાનો આદેશ કર્યો હતો અને સરકાર તેમજ શાળાને સાથે રહીને સમાધાન લાવવા માટે કહ્યું હતું. આ કેસના સંદર્ભમાં આજે નામદાર હાઇકોર્ટે મહત્ત્વનો ચુકાદનો આપ્યો છે.

(7:45 pm IST)