Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

સુરતના મોટા વરાછામાં ચાલુ રિક્ષાએ પિચકારી મારવા બાબતે થયેલ ઝઘડામાં ત્રણ યુવાન પર લાકડાના ફટકા વડે હુમલો થતા એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત:હત્યાનો ગુનો દાખલ

સુરત: શહેરના મોટા વરાછામાં ગુટખા ખાઇ ચાલુ રીક્ષાએ પીચકારી મારતા મોપેડ સવાર પર પડતા થયેલા ઝઘડામાં ત્રણ યુવાન પર લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો. જેમાં ત્રણ પૈકી એકને માથામાં થયેલી ગંભીર ઇજાને પગલે સારવાર દરમ્યાન મોત થતા અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમરોલી ગુ.હા. બોર્ડ નજીક રિલાયન્સ નગરમાં રહેતો અને અનાજના લોટનો ધંધો કરતા આનંદ ઉર્ફે રાજારામ રામોદર ખરવર (અગ્રવાલ) (.. 28) રવિવારે પોતાની સોસાયટીમાં રહેતા બે મિત્ર વિક્કી મોવાજી ચૌધરી અને પ્રિતમ સાથે તેઓ ધંધાકીય ઉધરાણી માટે ઓલપાડના ઉમરા ગામ ખાતે ઓટો રીક્ષામાં ગયા હતા. જયાંથી તેઓ પરત આવી રહ્યા હતા ત્યારે આનંદ ઉર્ફે રાજારામ ચાલુ રીક્ષાએ ગુટખા ખાઇ પીચકારી મારી હતી અને તે પાછળ મોપેડ પર આવી રહેલા બે મિત્રો પર પડી હતી. જેથી મોપેડ સવાર બે અજાણ્યા યુવાનોએ રીક્ષા અટકાવી આનંદ અને રાજારામને ગાળો આપી હતી. પરંતુ રાજારામે પોતાની ભુલ સ્વીકારી સોરી કહી માફી માંગી લીધી હતી. ત્યાર બાદ રાજારામ બંન્ને મિત્રો સાથે ઓટો રીક્ષામાં ઘર તરફ જઇ રહ્યો હતો ત્યારે મોટા વરાછા જ્યુબીલી ગાર્ડન નજીક દરબાર ફળિયા પાસે મોપેડ સવારે તેમના અન્ય બે મિત્રોને બોલાવી પુનઃ રીક્ષા અટકાવી રાજારામ અને તેના બે મિત્રો સાથે ઝઘડો કર્યો હતો. દરમ્યાનમાં ત્રણેયને લાકડાના ફટકા વડે માર મારતા રાજારામને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવતા આજે સવારે તેનું મોત થયું હતું. જયારે વિક્કી અને પ્રિતમને સામાન્ય ઇજા થઇ હતી. ઘટના અંગે અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં લાકડાના ફટકા મારનાર ચાર પૈકી આકાશ નામનો રીઢો ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે.

(6:12 pm IST)