Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ઘોર કળીયુગ : પિતા સમાન ગણ્યો તેણે જ મહિલાને પલંગમાં પટકી નિર્લજતા આચરી : જવેલર્સ માલિક સામે ગુનો નોંધાયો

આરોપીએ આ ઘટનાના ફોટા પાડી લીધા હોવાનું કહી મહિલાને બ્લેકમેઇલ કરી બદનામ કરવાની ધમકી આપી

અમદાવાદઃ ઉસ્માનપુરાની હોટલ ફોર્ચ્યુન લેન્ડ માર્ક સામે આવેલી વિદ્યાવિહાર સોસાયટીમાં મહિલા સાથે નિર્લજ્જતા આચરી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે, મહિલાએ જેણે પિતા સમાન ગણ્યો તે જ વ્યક્તિએ મહિલાને પલંગમાં પટકી બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મહિલાએ ધક્કો મારી પ્રતિકાર કરતા બચાવ થયો હતો.  આ ઘટના અંગે પી એન જ્વેલર્સના માલિક મહોશ શાહ સામે ગુનો નોંધાયો છે.આરોપીએ આ ઘટનાના ફોટા પાડી લીધા હોવાનું કહી મહિલાને બ્લેકમેઇલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી. પતિએ સાથ આપતા મહિલાએ પી.એન.જ્વેલર્સના માલિક વિરૂધ્ધ આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે.

 આ અંગે મળતી વિગત મુજબ વેજલપુરમાં રહેતી પાયલ (નામ બદલ્યું છે) ઉસ્માનપુરાની હોટલ ફોર્ચ્યુન લેન્ડ માર્ક સામે આવેલી વિદ્યા વિહાર સોસાયટીમાં રહેતાં અને ઘર આગળ પી.એન.જ્વેલર્સના નામે સોના ચાંદીનો શો રૂમ ચલાવતાં મહેશ શાહના ત્યાંથી દાગીનાની ખરીદી કરતી હતી. પાયલ ઇન્સ્યોરન્સનું કામ કરતી હોવાથી મહેશ શાહએ તેમના સંતાનોના વીમા  પાયલ પાસે ઉતરાવ્યાં હતાં. આ રીતે પરિચય વધતા બંને પરિવારો એકબીજાના ઘરે પણ અવરજવર કરતા હતા. મહેશ શાહની પત્ની અને સંતાનો છેલ્લા કેટલાક સમયથી યુ.કે. ખાતે રહેતા હતા. મહેશ શાહ તેમની માતા સાથે રહેતા હતા.પોતાનાથી ઉંમરમાં મોટા મહેશ શાહને પાયલ પિતા સમાન ગણતી હતી.

પાયલની માતાનું બે માસ પહેલા અવસાન થયું હોવાથી તે સતત તણાવમાં રહેતી હતી. ગત તારીખ 5 જુલાઈના રોજ સવારે 11 વાગ્યે મહેશ શાહ પાયલના ઘરે પહોંચ્યો હતો. પાયલના પતિની હાજરીમાં મહેશ શાહે જણાવ્યું તમે લોકો મારા ઘરે ચાલો તમને સારું લાગશે અને બાળકો પણ ખુશ થશે. પાયલના પતિએ પોતે જવાની ના પાડી વિશ્વાસથી મહેશ શાહ સાથે પત્ની અને બાળકોને મોકલ્યા હતા.

મહેશ શાહના ઘરે પહોંચ્યા ત્યારે તેમની માતા હાજર ન હતા. મહેશ શાહે કોફી બનાવી તમામ લોકોએ પીધી બાદમાં ટીવી ચાલુ કરતા બાળકો ફિલ્મ જોતા હતા.દરમિયાનમાં શાહએ ચિત્રા એડનું બોર્ડ ધાબા પર લગાવ્યું તેમાં ઘરમાં નુકશાન થયું તેવી વાત કરી પાયલને નુકશાન બતાવવાના બહાને ઉપરના માળે લઈ ગયો હતો.બેડ રૂમની છતમાં નુકશાન બતાવવાના બહાને આરોપીએ રૂમની સ્ટોપર બંધ કરી દીધી હતી. પાયલને પલંગમાં પટકી બળજબરી શરૂ કરી તેના કપડાં ઉતારવા જતો હતો. જોકે પાયલ પ્રતિકાર કરી આરોપીને ધક્કો મારી પલંગ પરથી ઉભી થઇ ગઇ હતી.

 મહેશ શાહે આ વાત કોઈને કરીશ તો મે આ ફોટો પાડી લીધા છે. જે બધાને બતાવી આપણી વચ્ચે અગાઉથી અફેર હતું તેમ કહી બદનામ કરી નાખીશ તેવી ધમકી આપી હતી. બાદમાં આરોપી પાયલ અને તેના બાળકોને ઘરે ઉતારી ગયો હતો. તે સમયે પણ બદનામ કરવાની અને હું બોલાવું ત્યારે આવી જવાની ધમકી આપી નીકળી ગયો હતો.

 

બે દિવસ બાદ પણ મહેશ શાહએ પાયલને ફોન કરી તે કોઈને વાત નથી કરી ને તેવી પુચ્છા કરી ધમકી આપી હતી. સતત નર્વસ રહેતી પત્ની પાયલને તેના પતિએ અનેક વખત કારણ પૂછ્યું હતું. આખરે પાયલે તેની સાથે બનેલી ઘટનાની જાણ પતિને ગત તા.22 જુલાઈએ કરી હતી. પતિએ પાયલને સાથ આપી આરોપી વિરુદ્ધ ફરિયાદ કરવા જણાવ્યું હતું. આખરે પાયલે પોતાની સાથે બનેલી ઘટના અંગે પોલીસમાં ઓનલાઈન અરજી કરી હતી. જે અરજીની તપાસ કરી વાડજ પોલીસે આરોપી મહેશ શાહ વિરૂધ્ધ મંગળવારે રાત્રે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(12:03 pm IST)