Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

સગીરે બેફામ ક્રેટા કાર ચલાવી સાયન્સ સીટી ચાર રસ્તા પાસે બે લોકોને હવામાં ફંગોળ્યા :એકનું મોત: ધરપકડ

પત્ની સાથે જઇ રહેલા રાહદારી યુવકનું સ્થળ પર જ મોત: આરોપી સગીરના માતા-પિતા સામે કાર્યવાહીની માંગ

અમદાવાદઃ સાયન્સ સિટી ચાર રસ્તા પાસે આજે સવારે 8 વાગ્યે 120ની ઝડપે ક્રેટા કાર ચલાવતાં સગીરએ એક્ટિવા ચાલક સહિત બેને હવામાં ફંગોળ્યા હતા. જેમાં પત્ની સાથે જઇ રહેલા એક રાહદારી યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું છે . બનાવ અંગે ટ્રાફીક પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.એક્ટિવા ચાલક રામભાઈ સ્વામિનારાયણ મંદિરથી દર્શન કરવા જઇ રહ્યા હતા ત્યારે બનાવ બન્યો હતો.સ્થાનિકોની ફરિયાદ છે કે રોડ પર સ્પીડ બ્રેકર ન હોવાથી અનેકવાર અકસ્માતો સર્જાય છે. આ અંગે રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી.

 અંગે મળતી વિગત મુજબ સાયન્સ સિટી ચાર રસ્તા પાસે આજે સવારે 8 વાગ્યે 120 કિલોમીટરની ઝડપે આવતી ક્રેટા કારના ચાલક 17 વર્ષીય કિશોરે એક્ટિવા પર પસાર થતા રામભાઈ પટેલ અને રાહદારી દંપત્તિમાંથી યુવકને ટક્કર મારી હવામાં ફંગોળતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાં રાહદારી રાહુલ રામભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પત્નીની નજર સામે પતિએ દમ તોડયો હતો. બીજી તરફ ઈજાગ્રસ્ત સીનિયર સિટિઝન રામભાઈ પટેલને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે.

સ્થાનિક લોકોએ અકસ્માત કરનાર આરોપી કિશોર ને ઝડપી લીધો હતો. ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરીને ગુનો દાખલ કરવા તજવીજ શરૂ કરી હતી. અકસ્માત કરનાર 17 વર્ષના કિશોરના માતા પિતા વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરે તેવી લોકોની માંગ હતી.

સ્પીડ બ્રેકર ન હોવાના કારણે આ વિસ્તારમાં અનેકવાર અકસ્માતના બનાવ બને છે. સ્થાનિકો દ્વારા બમ્પ મુકવા અનેક રજુઆત છતાં તંત્રના બહેરા કાન સુધી વાત પહોંચી નથી. રાહદારી મજૂર રાહુલ રામભાઈ તેની પત્ની સાથે સવારે ચાલતો જઈ રહ્યો હતો ત્યારે કાળ બનીને આવેલી ક્રેટા કારની ટક્કરથી તેનું સ્થળ પર જ મોત થયું જ્યારે તેની પત્નીનો બચાવ થયો હતો.

(11:55 am IST)