Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ગુજરાતની અદાલતોમાં મેન્યુઅલ ફાઇલીંગ શરૂ કરાયું

કોરોના અંગે સરકારી ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવાની સાથે મેન્યુઅલ ફાઇલીંગ શરૂ થતાં વકીલોમાં ખુશી : ૪ મહિના બાદ ફાઇલીંગની કામગીરી શરૂ થઇ

અમદાવાદ,તા.૫ : રાજયભરની તમામ કોર્ટમાં આજથી વકીલો દ્વારા મેન્યુઅલી ફાઈલીંગ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હવે તમામ વકીલો કોરોનાની સાવચેતી અને સરકારી ગાઈડલાઈનના પાલન સાથે મેન્યુઅલી ફાઈલીંગ શરૂ થતાં વકીલ આલમમાં ખુશીની લહેર જોવા મળી હતી.

આજથી રાજયભરની તમામ કોર્ટમાં વકીલોની રજૂઆતના પગલે મેન્યુઅલી ફાઈલિંગ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે , તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફિઝિકલ ફાઈલિંગની મંજૂરી આપવામાં આવી હતી. બાર એસોસિએશનનાં સભ્યો દ્વારા પ્રતિક ઉપવાસ કાર્યક્રમ જાહેર. કરવામાં આવ્યો હતો. જેના બાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ૪ ઓગસ્ટથી શરતોને આધીન ફિઝિકલ ફાઇલિંગની મંજૂરી આપવામાં આવી હતી.

તમામ વકીલો ઓનલાઇન ફાઇલિંગ કરવામાં સક્ષમ ન હોવાની બાર એસોસિએશન દ્વારા હાઈકોર્ટમાં રજઆત કરવામાં આવી હતી. ત્યારબાદ હાઈકોર્ટે ફિઝિકલ ફાઇલિંગ માટે મંજૂરી આપી હતી. જોકે તમામ વકીલો અને કર્મચારીઓએ ચુસ્તપણે કોરોનાની  ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે તેવું પણ સુચવ્યું હતુ ૪ મહિના બાદ કોર્ટમાં આજથી કામગીરી શરૂ થઈ છે. કોર્ટમાં મેન્યુઅલ ફાઈલો સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યુ છે. પરંતુ આ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

સોશિયલ ડિસ્ટન્સ સાથે કોર્ટની કામગીરી શરૂ થઈ છે. કેટલીક કોર્ટોમાં બાર એસોસિએશન દ્વારા સેનિટાઈઝર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

(11:25 am IST)