Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

મધ્યપ્રદેશના બે કુખ્યાત શાર્પશૂટરોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા

અનેક ગુન્હામાં વોન્ટેડ આરોપીઓએ સાબરમતી વિસ્તારમાં ટોરેન્ટ પાછળ આવેલા ખેતરની ઓરડીમાં આશ્રય લીધો હતો

 

અમદાવાદ: મધ્યપ્રદેશમાં વખતોવખત ફાયરિંગ કરીને અનેક લોકોની હત્યા અને હત્યાની કોશિષ જેવા ગુનામાં સંડોવાયેલા બે કુખ્યાત શાર્પ શૂટરને અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે ઝડપી લીધા છે. મધ્યપ્રદેશ પોલીસથી બચવા માટે આરોપીઓએ સાબરમતી વિસ્તારમાં ટોરેન્ટ પાછળ આવેલા ખેતરની ઓરડીમાં આશ્રય લીધો હતો.

ક્રાઈમબ્રાન્ચે મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના કુખ્યાત આરોપી રામુ ઉર્ફ રામેશ્વરસિંગ ઉમેદસિંગ તોમર (ઉં,34) અને યોગેન્દ્ર ઉર્ફ કુલદીપ રામાનંદ શર્મા (ઉં,24) બન્ને રહે ભીંડ જિલ્લો મધ્યપ્રદેશની ધરપકડ કરી હતી.રામુ અને કુલદીપ વિરુદ્ધ મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના ઉમરી પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિષ અને મારમારીનો ગુનો દાખલ થયો હતો. આરોપી પોલીસથી બચવા માટે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રોકાયા હતા.

આરોપી રામુ તોમર મધ્યપ્રદેશનો કુખ્યાત આરોપી છે. તેની વિરુદ્ધ હત્યા,હત્યાની કોશિષ, દારૂ અને ફાયરિંગના 15 જેટલા ગુના દાખલ થયેલા છે.2003 અને 2011મા રામુને વિરોધીઓ સાથે થયેલી અથડામણમાં સામસામે ફાયરિંગ થયા હતા. જેમાં તેના બન્ને પગમાં ગોળીઓ વાગી ચુકી છે.

કુલદીપ અગાઉ હત્યાના અને ફાયરિંગના ગુનામાં પકડાઈ ચુક્યો છે. બંને આરોપીઓ અવાર નવાર ફાયરિંગ કરવાના મામલે પંકાયેલા છે. બન્ને આરોપીઓને એમપી પોલીસને સોંપવા માટે ક્રાઇમબ્રાન્ચે કાર્યવાહી કરી હતી.

(8:45 am IST)