Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

કુલદિપ યાદવને પ્‍લેઇંગ ઇલેવનમાં સામેલ ન કરવાના વિરાટ કોહલીના નિર્ણયને લઇને એક્‍સપર્ટસ ઉઠાવી રહ્યા છે સવાલો

ચેન્નાઈમાં ઈગ્લેન્ડ વિરૂદ્ધ રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના નિર્ણય પર પ્રશ્ન ઉભા થવા લાગ્યા છે. પ્રશ્ન કૂલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ના કરવાને લઈને ઉભા થઈ રહ્યાં છે. ચેન્નાઈ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયાના બોલર અત્યાર સુધી કોઈ ખાસ પ્રભાવ છોડી શક્યા નથી.

ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ અને સ્પિનર આર અશ્વિન ઉપરાંત કોઈપણ બોલરને વિકેટ મળી નહતી. ત્રીજા સ્પિનરના રૂપમાં ટીમમાં સામેલ કરવામાં આવેલા નદીમને રમવામાં ઈંગ્લિશ બેટ્સમેનોને કોઈ જ મુશ્કેલી પડી રહી નથી.

પોતાની બીજી ટેસ્ટ રમી રહેલા શાહબાજ નદીમ પર સારૂ પ્રદર્શન કરવાનો પ્રેશર પણ છે. તેમને પોતાના કેપ્ટનના નિર્ણયને પણ યોગ્ય સાબિત કરવો છે. શાહબાજ નદીમની તેવા ખેલાડીઓને બેસાડીને પસંદગી કરવામાં આવી છે,જેમની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થવાની પૂરેપૂરી આશા હતી. ટોસ દરમિયાન કોહલીએ જ્યારે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી તો તેમાં કુલદીપ યાદવનું નામ ના સાંભળીને ક્રિકેટ ફેન્સ અને એક્સપર્ટ્સ હેરાન રહી ગયા.

આ ચાઈનામેન બોલરને બહાર રાખવાના કારણે સૌથી પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે પ્રશ્ન ઉઠાવ્યો હતો. ગંભીરે કહ્યું કે, કુલદીપ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ધારદાર હથિયાર સાબિત થઈ શકતા હતા. ગૌતમ ગંભીરે કહ્યું કે, કુલદીપ યાદવને ના રમાડવો દૂર્ભાગ્યપૂર્ણ છે. મને લાગે છે કે, તેમને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રમાડવા જોઈતા હતા. કલાઈથી સ્પિન કરવી એક દૂર્લભ ચીજ છે.

તે ઉપરાંત ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોર્ને ભારતીય ટીમની રણનીતિની મજાક ઉડાવી છે. વોર્ને ટ્વિટ કરીને લખ્યું કે, ચેન્નાઈ ટેસ્ટ માટે ભારતે હાસ્યાસ્પદ ટીમની પસંદગી કરી. તેમને આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, પ્લેઈંગ ઈલેવનમાં કુલદીપ યાદવ જેવો બોલર કેમ નથી? તેમને કહ્યું કે, સુંદર અને નદીમને તક આપવામાં આવી, બંનેને અનુભવ નથી. મને ખુબ જ આશ્ચર્ય થઈ રહ્યું છે કે, કુલદીપ યાદવને તક આપવામાં આવી નહીં.

તમને જણાવી દઈએ કે, પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ સ્પિનર રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર અને શાહબાજ નદીમને જગ્યા મળી છે. કુલદીપે પોતાની અંતિમ ટેસ્ટ 2019માં ઓસ્ટ્રેલિયામાં વિરૂદ્ધ સિડનીમાં રમી હતી. જ્યાં તેમને પાંચ વિકેટ ઝડપી હતી. ત્યારથી અત્યાર સુધી ભારતની ટેસ્ટ સ્ક્વોડમાં સામેલ રહ્યાં છે, પરંતુ આ દરમિયાન રમવામાં આવેલી 13 ટેસ્ટ મેચોમાંથી એકમાં પણ તેમને તક આપવામાં આવી નથી.

(5:21 pm IST)