Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટની બેવડી સદીથી ટેસ્ટ ઉપર ઈંગ્લેન્ડની પકડ

ભારત-ઈંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટઃ બીજો દિવસ : ઈંગ્લેન્ડના પ્રથમ ઈનિંગ્સમાં આઠ વિકેટે ૫૫૫, ભારતીય બોલર્સ ઘૂંટણિયે, ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે અનેક વિક્રમ નોંધાવ્યા

ચેન્નાઈ, તા. ૬ : કેપ્ટન જો રૂટની રેકોર્ડ બ્રેક બેવડી સદી તથા બેન સ્ટોક્સની અડધી સદીની મદદથી ઈંગ્લેન્ડે ચેન્નઈમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચના પ્રથમ દાવમાં ભારત સામે જંગી સ્કોર નોંધાવ્યો છે. બીજા દિવસની રમતના અંતે ઈંગ્લેન્ડે ૮ વિકેટે ૫૫૫ રનનો સ્કોર ખડક્યો હતો. દિવસના અંતે ડોમિનિક બેસ ૨૮ અને જેક લીચ ૬ રને રમતમાં છે. જોકે, ઈંગ્લેન્ડની ઈનિંગ્સમાં રૂટની બેટિંગ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. પોતાની ૧૦૦મી ટેસ્ટ રમી રહેલા રૂટે બેવડી સદી ફટકારવાની સાથે ઈતિહાસ પણ રચી દીધો છે. તે ૧૦૦મી ટેસ્ટમાં બેવડી સદી નોંધાવનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ ઉપરાંત તેણે અન્ય કેટલાક રેકોર્ડ્સ પણ તોડ્યા હતા.

જો રૂટે ભારતીય બોલર્સનો મક્કમતાથી સામનો કરતા પોતાની ૧૦૦મી ટેસ્ટને યાદગાર બનાવી દીધી છે. તેણે ૧૦૦મી ટેસ્ટમાં બેવડી સદી નોંધાવી છે. આ સાથે જ તે ૧૦૦મી ટેસ્ટમાં બેવડી સદી નોંધાવનારો વિશ્વનો એકમાત્ર બેટ્સમેન બની ગયો છે. રૂટે ૩૭૭ બોલનો સામનો કરતા ૧૯ ચોગ્ગા અને ૨ સિક્સરની મદદથી ૨૧૮ રનની ઈનિંગ્સ રમી હતી. શાહબાઝ નદીમે તેને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. રૂટ ભારતમાં બેવડી સદી નોંધાવનારો બીજો પ્રવાસી કેપ્ટન બન્યો છે. અગાઉ ક્લાઈવ લોયડે ૧૯૭૫મા ભારતમાં બેવડી સદી ફટકારી હતી.

જો રૂટ ભારત સામે ૧૦૦મી ટેસ્ટમાં સદી ફટકારનારો ત્રીજો બેટ્સમેન બન્યો છે. અગાઉ જાવેદ મિંયાદાદ અને ઈન્ઝમામ ઉલ હકે પોતાની ૧૦૦મી ટેસ્ટમાં ભારત સામે જ સદી ફટકારી હતી. આ ઉપરાંત રૂટે ઈંઝમામના બીજા એક રેકોર્ડને પણ તોડી નાંખ્યો હતો. ૧૦૦મી ટેસ્ટમાં ૨૧૮ રનની ઈનિંગ્સ રમનારા રૂટે ૧૦૦મી ટેસ્ટમાં સૌથી વધુ સ્કોર નોંધાવાવનો ઈંઝમામનો રેકોર્ડ તોડ્યો છે. ઈંઝમામે ભારત સામે ૨૦૦૫મા બેંગલોરમાં પોતાની ૧૦૦મી ટેસ્ટ રમી હતી અને તેમાં તેણે ૧૮૪ રન ફટકાર્યા હતા. જે અત્યાર સુધી ૧૦૦મી ટેસ્ટમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર હતો. આ ઉપરાંત જો રૂટ બ્રેન્ડન મેક્કુલમ બાદ ભારત સામે બેવડી સદી નોંધાવનારો બેટ્સમેન બન્યો છે. ભારત સામે છેલ્લે બ્રેન્ડન મેક્કુલમે ૨૦૧૩-૧૪મા વેલિંગ્ટન ટેસ્ટમાં ૩૦૨ રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે ભારતમાં પ્રવાસી બેટ્સમેન તરીકે છેલ્લી બેવડી સદી પણ મેક્કુલમે જ ફટકારી હતી. તેણે ૨૦૧૦-૧૧માં હૈદરાબાદ ટેસ્ટમાં ૨૨૫ રન ફટકાર્યા હતા.

ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં જ જંગી સ્કોર ખડકી દીધો છે અને મેચમાં પોતાનું પ્રભુત્વ જમાવી લીધું છે. જો રૂટની બેવડી સદી ઉપરાંત બીજા દિવસે બેન સ્ટોક્સે પણ અડધી સદી ફટકારી હતી.

તેણે ૧૧૮ બોલનો સામનો કરતા ૧૦ ચોગ્ગા અને ૩ સિક્સરની મદદથી ૮૨ રન ફટકાર્યા હતા. જ્યારે પ્રથમ દિવસે ડોમિનિક સિબ્લીએ પણ ૮૭ રનની ઈનિંગ્સ રમી હતી. આ ઉપરાંત ઓલી પોપે ૩૪, જોસ બટલરે ૩૦ અને ડોમિનિક બેસે ૨૮ રનનું યોગદાન આપ્યું છે. બેસ હજી રમતમાં છે. ઈંગ્લેન્ડે બીજા દિવસના અંત સુધીમાં ૮ વિકેટે ૫૫૫ રનનો સ્કોર નોંધાવ્યો છે.

ઈંગ્લેન્ડના બેટ્સમેનો ખાસ કરીને જો રૂટ સામે ભારતીય બોલર્સ લાચાર જોવા મળ્યા છે. ભારતે વિકેટ ઝડપવા માટે રોહિત શર્મા પાસે ઓવર કરાવવી પડી હતી. રોહિત શર્માએ બે ઓવર કરી હતી. ભારત માટે ઈશાન્ત શર્મા, જસપ્રિત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન અને શાહબાઝ નદીમે બે-બે વિકેટ ઝડપી હતી. અશ્વિન ૫૦ ઓવરમાં ૧૩૨ રન આપ્યા છે જ્યારે નદીમે ૪૪ ઓવરમાં ૧૬૭ રન આપ્યા છે. આમ સ્પિનર્સનું પ્રદર્શન વધારે નિરાશાજનક રહ્યું છે.

સ્કોરબોર્ડ

ઇંગ્લેન્ડ પ્રથમ દાવ :

બર્ન્સ

કો. પંત બો. અશ્વિન

૩૩

સિબલે

એલબી બો. બુમરાહ

૮૭

લોરેન્સ

એલબી બો. બુમરાહ

૦૦

રુટ

એલબી બો. નદીમ

૨૧૮

બેનસ્ટોક

કો.પૂજારા બો. નદીમ

૮૨

પોપ

એલબી બો. અશ્વિન

૩૪

જોસ બટલર

બો. ઈશાંત શર્મા

૩૦

ડોમ બેસ

નોટઆઉટ

૨૮

જોફ્રા આર્ચર

બો. ઈશાંત શર્મા

૩૦

જેક લીચ

નોટઆઉટ

વધારાના

 

૩૭

કુલ

(૧૮૦ ઓવરમાં ત્રણ વિકેટે)

૫૫૫

પતન  : ૧-૬૩, ૨-૬૩, ૩-૨૦૦

બોલિંગ : ઇશાંત શર્મા : ૨૭-૭-૫૨-૨, બુમરાહ : ૩૧-૪-૮૧-૨, અશ્વિન : ૫૦-૫-૧૩૨-૨, નદીમ : ૪૪-૪-૧૬૭-૨, સુંદર : ૨૬-૨-૯૮-૦.

(7:48 pm IST)