Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

વાંકાનેર પોલીસ દ્વારા કોરોનાના નામે કાચુ કપાયુ

વાંકાનેરમાં સ્વૈચ્છીક લોકડાઉન હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા જાણે સંપુર્ણ-સજ્જડ લોકડાઉનનો આદેશ હોય તેમ રોફભેર લોકોના ધંધા રોજગાર બંધ કરાવ્યા

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.,ર૯: વાંકાનેરમાં ગઇકાલે લોકોને પોલીસ રાજની પ્રતીતી થવા પામી હતી. રાજય સરકારના સંબંધીત વિભાગ દ્વારા ગઇકાલથી આગામી પાંચ મે સુધી રાજયભરના ર૯ શહેરોમાં કોરોના મહામારીની સંક્રમીત ચેઇનને તોડવા હેતુ આંશીક લોકડાઉન સમા નિયંત્રણો તથા રાત્રી કફર્યુના જાહેરનામાનો અમલ શરૂ થયો છે.

આ સુચવેલા ર૯ શહેરો સિવાય રાજયમાં અન્ય કોઇ શહેરમાં આ નિયંત્રણો નથી લદાયા. જો કે અગાઉથી કોઇ જાહેરાત કર્યા વગર જ વાંકાનેરના  પોલીસ અધિકારી પીઆઇ રાઠોડ અને તેના કાફલાએ જાણે દારૂ જુગાર કે પછી ગેરકાયદે દબાણની બદી બળપ્રયોગથી દુર કરવાની હોય તેમ રોફ સાથે બપોરે બે વાગ્યે શહેરના લગભગ ધંધાર્થીઓ-વેપારીઓની દુકાનો લોકડાઉન છે.

પાંચ તારીખ સુધી ઘરે રહી આરામ કરો તેવા ઉચ્ચારો સાથે દંડા ઉગામી શહેરની બજારો બંધ કરાવતા વેપારના સમયે જ શહેરભરમાં સન્નાટો વ્યાપી ગયો હતો. શહેરમાં બપોર બાદ તો સ્વૈચ્છીક લોકડાઉનનો લોકો જ અમલ કરી રહયા છે અને કોરોના મહામારીને નાથવા સ્વયંભુ પ્રયત્નો કરી જ રહયા છે. જો કે આ વેળા જાણે સંપુર્ણ લોકડાઉનના આદેશનો અમલ કરાવવા નિકળી પડેલા શહેર પીઆઇ રાઠોડ અને તેના કાફલા સામે કેટલાક વેપારીઓ દ્વારા નમ્રતાસભર વિનંતીઓ થઇ ખરી કે રાજયના જે ર૯ શહેરોમાં આંશિક લોકડાઉન જાહેર કરાયું છે તેમાં કયાંય વાંકાનેરનો ઉલ્લેખ નથી.

તો તેની સામે પીઆઇના કાફલાનો દંડાધારી સ્ટાફ ચાલો બંધ કરોનું જ બળજબરી રટણ કરી પુરૂ શહેર બંધ કરાવી દીધેલ હતું. જો કે કાચુ કપાયુ હોવાની પ્રતીતી થતા આ પોલીસ કાફલા દ્વારા ફરી બજારો ખુલ્લી કરવાના પ્રયત્નો કરાયા પણ તે નિષ્ફળ રહયા હતા. લોકોના વેપાર ધંધાનું નુકશાન શું પોલીસ અધિકારી ભરપાઇ કરશે તેવા ઉચ્ચારણો વેપારીઓના મુખેથી ઠેરઠેર સંભળાઇ રહયા છે.

(11:40 am IST)