Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

ખંભાળિયાના જયેશભાઇ અને જેશાભાઇ પિંડારિયાની જુગલ જોડીએ કોરોના દર્દીઓની અનોખી સેવા ચાલુ કરી

ઓકિસજનના બાટલાના ફલોમીટર બનાવી દેશી જુગાડ દ્વારા ૧૫ દર્દીઓને નવજીવન આપ્યું : ટુંક સમયમાં બીજા ૫૦ બનાવી અપાશે

દેવભૂમિ દ્વારકા તા. ૨૯ : કોવિડ-૧૯ ના સંક્રમણ વધતા દર્દીઓ વધી રહયા છે. ઓકસીજનના બાટલાં / પાઇપલાઇનમાં એક મહત્વનું ઉપકરણ ફલોમીટર છે. આ ફલોમીટરથી દર્દીને ઓકસીજનનો પુરવઠો આપવામાં સરળતા રહે.

સર્જીકલ આઇટમોની અછતના કારણે બાટલાં / પાઇપલાઇન થી ઓકસીજનની વ્યવસ્થા હોવા છતાં ઓકસીજનની જરૂરીયાતવાળા કોરોના દર્દીઓને ઓકસીજન આપી શકાતો નથી. ખાસ કરીને ઘરમાં સારવાર લેતાં આવા દર્દીઓને ફરજીયાત ઓકસીજન પુરવઠો હોય તેવી હોસ્પીટલમાં દાખલ થવું પડે છે.

ઓકસીજન માટે આવશ્યક ફલોમીટરની અછત છે, આવા સંજોગોમાં દેશી પધ્ધતિથી આ આવશ્યક ઉપકરણ બનાવી શકાય તે માટે એક ઇલેકટ્રોનીકસની દુકાન ધરાવતાં અને મીટરની જાણકારી ધરાવતાં જેસાભાઇ પીંડારીયા અને તેના ભાઇબંધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુની ફોટ સબ સેન્ટરમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતાં શ્રી જયેશભાઇ પીંડારીયાએ બીડું ઝડપ્યું. સગા સંબંધી / દર્દીઓની ઓકસીજન ફલોમીટરની સતત પુછપરછ આવતાં બન્ને મિત્રોએ કંઇક સંશોધન કરીને આ મુશ્કેલી હલ કરવા લાગી પડયા. જો આમાં સફળતા મળે તો કેટલાંયે દર્દીઓને નવજીવન મળી શકે. એમ વિચારી પોતાની દુકાનનો કામ ધંધો છોડી સંશોધન શરૂ કર્યું.

ફલોમીટર અત્યારે બજારમાં સાત થી આઠ હજારમાં મળે છે. આ બંને મિત્રોએ પાણીની બોટલ, આર.ઓ. કનેકટર, ઓકસીજનના યુનીયન મીટર દ્વારા ઓકસીજન કન્ટ્રોલ કરી ઓકસીજન ફલોમીટરની અવેજીમાં ઉપકરણ બનાવ્યું હતું. આવા ૧૫ ઉપકરણ બનાવી જરૂરીયાતવાળા દર્દીઓને ફલોમીટર (દેશી) બનાવી દર્દીઓને આપવામાં આવ્યા હતા. અને તે સારી રીતે કામ કરતાં હવે બીજા વધુ ૫૦ જેટલાં ફલોમીટર (દેશી) બનાવી જરૂરીયાતવાળા દર્દીઓને ફ્રીમાં આપવા આ બંને મિત્રોએ નિર્ધાર કર્યો છે. અને આ રીતે બંને મિત્રો કોરોના દર્દીઓની સેવામાં જોડાઇ ગયા છે. વધુ ૫૦ દર્દીઓની નોંધણી થઇ જતાં તેઓ આ દેશી ઓકસીજન ફલોમીટર બનાવવાની તૈયારીમાં લાગી પડયા છે.

(11:39 am IST)