Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

જૂનાગઢના વધુ ત્રણ કોવિડ દર્દી સહિત જિલ્લામાં ૭ના મોત

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો : મીની લોકડાઉનની અસર વર્તાઇ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૯ : જૂનાગઢના વધુ ત્રણ કોવીડ દર્દી સહિત જિલ્લામાં ૭ વ્યકિતના મોત થયા હતા. જોકે જૂનાગઢ જિલ્લામાં ૨૪ કલાક દરમિયાન કોરોનાના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો છે.

જૂનાગઢ શહેર અને જિલ્લામાં બુધવારથી મીની લોકડાઉન શરૂ થતાની સાથે કોરોનાના કેસમાં ઘટાડો જોવાયો છે. ગત તા. ૨૫ એપ્રિલથી જિલ્લામાં દરરોજ કોરોનાના કેસનો આંક ૨૫૦ રહ્યો હતો. તા. ૨૭ના રોજ જિલ્લામાં ૨૬૧ નવા કોવિડ દર્દીની એન્ટ્રી થઇ હતી.

પરંતુ મીની લોકડાઉનની અસર થઇ હોય તેમ સંક્રમણ ઘટતા ગઇકાલે ૨૪ કલાકના ઘટાડા સાથે ૨૪ કલાકમાં કોવીડના કેસ ઘટીને ૨૩૭ નોંધાયા હતા.

જૂનાગઢમાં તા. ૨૭ના રોજ ૧૩૩ કેસ નોંધાયા બાદ ગઇકાલે ૧૧૦ નવા કેસ સામે આવ્યા હતા.

જ્યારે જિલ્લામાં જૂનાગઢ ગ્રામ્ય ૧૪, કેશોદ ૨૦, ભેસાણ-૧૫, માળીયા-૫, માણાવદર-૨૦, મેંદરડા-૧૫, માંગરોળ-૧૭, વંથલી-૧૧ અને વિસાવદર વિસ્તારમાં નવા ૧૦ કેસ આવ્યા હતા.

જિલ્લામાં ૨૩૭ નવા કેસની સામે ગઇકાલે રિકવરી રેટ ઘટતા માત્ર ૧૮૦ દર્દી સ્વસ્થ થયા હતા. તા. ૨૭ એપ્રિલે જિલ્લાના ૨૨૦ દર્દી કોરોનાને માત આપવામાં સફળ થયા હતા.

કેસ ઘટવાની સામે ગઇકાલે કુલ ૭ કોવિડ દર્દીએ અંતિમ શ્વાસ લીધા હતા. જૂનાગઢ શહેરના ત્રણ દર્દીએ દમ તોડયો હતો. જ્યારે જૂનાગઢ રૂરલ, કેશોદ અને મેંદરડાના એક-એક કોવીડ દર્દીને યમરાજાનું તેડું આવી ગયું હતું.

આમ, જૂનાગઢ જિલ્લામાં કોવીડ મૃત્યુદર વધતા ચિંતા પ્રવર્તે છે. જો કે હજુ લોકો મીની લોકડાઉનનું કડક પાલન કરશે તો સ્થિતિ સુધરશે.

(11:03 am IST)