Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

મોરબીના ઉદ્યોગપતિ હિરેનભાઇ સાથે રૂ. ૧.૬૯ કરોડની છેતરપીંડી કરનાર બે શખ્સો પકડાયા

મોરબી એલસીબીની ટીમે બિહારના ગોપાલ અને વિપુલને બિહારથી દબોચ્યા : બંને પાસેથી રૂ. ૫૪.૬૦ લાખની મત્તા કબ્જે : મુખ્ય સૂત્રધાર રોશન, લલુ, રીન્કુ દેવીના નામ ખુલ્યા

 મોરબી તા. ૧૬ : મોરબીના જેતપર ગામના ઉદ્યોગપતિ સાથે ૧.૬૯ કરોડની છેતરપીંડી મામલે તપાસ ચલાવતી એલસીબી ટીમને મોટી સફળતા મળી છે અને બિહારથી બે ઇસમોને દબોચી લઈને રોકડ રકમ, મોબાઈલ અને લેપટોપ સહીત કુલ ૫૪.૬૦ લાખનો મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે.

મોરબીના જેતપર ગામના રહેવાસી હિરેનભાઈ ચંદુભાઈ અઘારા નામના ઉદ્યોગપતિને રિલાયન્સ પેટ્રોલપંપની ડીલરશીપ મેળવવા કરેલી અરજી બાદ ઠગ ટોળકીએ અલગ અલગ મોબાઈલ નંબરમાંથી ફોન કરીને બેંક એકાઉન્ટમાં ભોગ બનનારે કુલ ૧,૬૯,૫૫,૨૦૦ ની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જે મામલે જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી બન્નો જોશીની સુચનાથી એલસીબી ટીમના ઇન્ચાર્જ પીઆઈ આર ટી વ્યાસ તેની ટીમના ચંદ્રકાંતભાઈ વામજા, સંજયભાઈ પટેલ, યોગીરાજસિંહ જાડેજા, રવિરાજસિહ ઝાલા સહિતની ટીમ તપાસ ચલાવતી હોય જેમાં બિહારથી કોલ સેન્ટર મારફત છેતરપીંડી આચરી હોવાનું ખુલતા બિહાર પોલીસની મદદથી એલસીબી ટીમે આરોપી ગોપાલ મનોજસિંગ ભૂમિહાર રહે હાલ વારસલીગંજ બિહાર અને વિપુલ રમાંશ્રેયસિંગ ભૂમિહાર (રહે. વારસલીગંજ બિહાર)ને દબોચી લઈને તેની પાસેથી રોકડા રૂ. ૫૪,૪૩,૦૦૦ તેમજ લેપટોપ કીમત ૧૦,૦૦૦, મોબાઈલ નંગ ૫ કીમત ૭૦૦૦ અને વિવિધ બેંકના એટીએમ કાર્ડ નંગ ૩૩, પાસબૂક નંગ ૦૬, ચેકબુક ૨ સહીત કુલ ૫૪,૬૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઙ્ગ

પોલીસે બિહારથી ઝડપી લેવાયેલા બંને આરોપીની સઘન પૂછપરછમાં ખુલાસો થયો છે. જેમા મુખ્ય સુત્રધાર રોશનકુમાર (રહે ગંગાપુર), લલૂકુમાર સુલતાના મહતો (રહે થાના બિહાર) અને રીન્કુદેવી કુમાર અજીત ભૂમિહાર (રહે દરિયાપુર થાના બિહાર)એ ત્રણ આરોપીઓ વતી ૧૦ ટકાના કમીશનથી કામ કરતા હતા જેમાં આરોપીઓએ બનાવેલ શિકારના જે રૂપિયા બેંકમાં જમા થયા તે બેંકમાંથી ઉઠાવીને તેને સુપરત કરવાના રહેતા હતા જે કામ માટે ૧૦ ટકા કમીશન મળતું હોવાની કબુલાત આપી છેે.

મસમોટી છેતરપીંડી મામલે એલસીબી ટીમે બે ભાડુતી માણસોને ઝડપી લીધા છે જોકે હજુ મહિલા સહિતના ત્રણ મુખ્ય સુત્રધારો પોલીસ પકડથી દુર છે અને બિહારના ત્રણેય આરોપીઓને ઝડપી લેવા તે મોરબી પોલીસ માટે ચેલેન્જ સમાન બની રહેશે તો ઉદ્યોગપતિ સાથે ૧.૬૯ કરોડની છેતરપીંડી થઇ છે. જેમાંથી ૫૪.૪૩ લાખ રીકવર થયા છે. જયારે બાકીની હજુ એક કરોડથી વધુની રકમ રીકવર કરવાની બાકી છે જેથી એલસીબી ટીમે મુખ્ય આરોપીને દબોચી લેવા અને બાકી રકમ રીકવર કરવા આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે.

બે શખ્સો પાસેથી ૩૩ ATM કાર્ડ, છ પાસબુક અને બે ચેકબુક કબ્જે

એલસીબી ટીમે બે બિહારી શખ્શોને ઝડપી લઈને રોકડ, લેપટોપ ઉપરાંત વિવિધ બેંકના ૩૩ એટીએમ કાર્ડ અને બેંકની છ પાસબૂક તેમજ બે ચેકબુક હાથ લાગી છે જેથી આ ટોળકીએ મોરબીના ઉદ્યોગપતિ પૂર્વે અન્ય કેટલા લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.

(3:59 pm IST)