Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

પોરબંદરના ગરીબ લોકોની દોઢ કરોડની બચત ઓળવી જવા અંગે જામીન અરજી રદ

રાજકોટ તા.૧૬: રાજકોટના પ્રિન્સીપાલ સેશન્સ જજ ગીતા ગોપી મેડમે પોરબંદરના હજારો ગરીબ લોકોએ રોજીદી બચતમાં મુકેલ દોઢ કરોડ રૂપિયાની થાપણો ઓળવી ભાગી જનાર શ્રી કર્મયોગી ક્રેડીટ એન્ડ કન્ઝયુમર્સ કો.ઓ. સોસાયટી લી. ના સંચાલક સંદિપ પ્રેમજીભાઇ ગોહેલની પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી રદ કરેલ છે.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, શ્રી કર્મયોગી ક્રેડીટ એન્ડ કન્ઝયુમર્સ કો.ઓ. સોસાયટી લી. નામની અરવિંદ રામજીભાઇ મોતીવરસ, સંદિપ પ્રેમજીભાઇ ગોહેલ અને મીનાબેન સંદિપભાઇ ગોહેલનાઓએ પોરબંદરમાં વર્ષ ૨૦૦૬માં પોતાની ઓફીસ ચાલુ કરી આ વિસ્તારના સેકડો ગરીબ રોજગારીવાળા લોકોને સારૂ વ્યાજ અપાવવાની લાલચે બાધી મુદતી થાપણો મેળવેલ હતી તેમજ અમુક અતિ ગરીબ લોકો પાસેથી રોજીદી થાપણ તરીકે દરરોજ નજીવી રકમ મેળવેલ હતી. થોડા વર્ષો સુધી આ સોસાયટીના ત્રણેય સંચાલકોએ થાપણદારોને નિયમિત વ્યાજ ચુકવેલ હતુ અને તે રીતે સમય જતા થાપણદારોમાં વિશ્વાસ જગાવી સંખ્યામાં વધારો કરેલ હતો અને તી રીતે કુલ ૧૨૭ થાપણદારો પાસેથી રૂ.૧,પ૧,૦૦,૦૦૦ થાપણ તરીકે મેળવેલ હતા. ત્યારબાદ વર્ષ ૨૦૧૮માં આ ત્રણેય આરોપીઓ રાતોરાત ઓફીસ બંધ કરી ભાગી ગયેલ હતા.

આ ત્રણેય આરોપીઓમાંથી સોસાયટીના સંચાલક સંદિપ પ્રેમજીભાઇ ગોહેલ પોરબંદર પોલીસના હાથ લાગી જતા તેઓ વિરૂદ્ધ ફરીયાદ નોંધી તેમની ધરપકડ કરેલ હતી. ગુજરાત સરકારે આવા નાના થાપણદારો પાસથી મોટી રકમો થાપણ તરીકે મેળવી તથા જાત જાતની સ્કીમો બનાવી લોકો સાથે છેતરપીંડી કરતા ઇસમો વિરૂદ્ધ અરસકારક કાર્યવાહી કરવા માટે ખાસ રીતે જી.પી.આઇ.ડી. એકટ ઘડેલ હતો જેની જોગવાઇ મુજબ આવા આરોપીઓ વિરૂદ્ધ સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનના ગુનાઓના કેસો રાજકોટના પ્રિન્સીપાલ સેશન્સ જજ સમક્ષ ચાલવા પાત્ર છે અને આરોપીઓની તમામ મિલકતો જપ્ત કરી થાપણદારોને આ મિલકતના વેચાણથી ઉપજેલ રકમ વહેચી આપવાની જોગવાઇ કરવામાં આવેલ છે. આ રીતે જોગવાઇ હેઠળ આરોપી સંદિપ ગોહેલની ધરપકડ કરવામાં આવેલ. સમયમર્યાદામાં પોલીસે તપાસ પૂર્ણ કરી આરોપીઓ વિરૂદ્ધ જી.પી.આઇ.ડી. એકટની કલમો હેઠળ ચાર્જશીટ રજુ કરેલ હતુ. આ  આરોપીએ તપાસ પૂર્ણ થયા બાદ રજુ કરેલ જામીન અરજીની સુનવણી વખતે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે હાજર રહેલ જિલ્લા સહકારી વકિલશ્રી એસ.કે.વોરાએ રજુઆત  કર્યા બાદ રાજકોટના પ્રિન્સીપલ સેસન્સ જજશ્રી ગીતાબેન ગોપીએ, સંદિપ પ્રેમજી ગોહેલની જામીન અરજીને રદ કરી હતી આ કામમાં  સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજયભાઇ વોરા રોકાયા હતા.(૭.૧૧)

(1:04 pm IST)