Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

આગામી ૨૩ થી ૨૫ ફેબ્રુઆરી સુધી યોજાનાર ત્રિદિવસીય

સોમનાથ-જ્યોતિર્લિંગ મહોત્સવમાં સહયોગી બનવા સૌમાં ઉત્સાહનો સંચાર

સોમનાથ તિર્થમાં ભારતના બારે બાર જ્યોતિર્લિંગના મુખ્ય પૂજારીઓ-ટ્રસ્ટીઓ-સંચાલકો સોમનાથ મહોત્સવમાં આવી રહ્યા છેઃ સોમનાથ ટ્રસ્ટના સહયોગમાં ઉતારા માટે જોઈએ તેટલા રૂમો આપવા હોટલ-ગેસ્ટહાઉસ માલિકો વતી હોટલ માલિક અકિલભાઈએ વચનઆપી કોમી એકલાસ ભાઈચારાનું ઉદાહરણ આપ્યું: સોમનાથમાં વેરાવળ-પાટણ વિવિધ જ્ઞાતિઓ-સમાજો-સંસ્થાઓની મળેલ બેઠકઃ સોમનાથ મંદિરના ટ્રસ્ટી પ્રવિણભાઈ લેહરીના અધ્યક્ષ પદે યોજાયેલ મીટીંગમાં અતીથી ઈતિ સુધીની તૈયારી માટે આયોજન ઘડાયું

પ્રભાસપાટણ, તા. ૧૬ :. વિશ્વ વિખ્યાત સોમનાથ મહાદેવ મંદિરે આગામી ફેબ્રુઆરીની ૨૩, ૨૪, ૨૫ એમ ત્રિદિવસીય યોજાનાર જ્યોતિર્લીંગ મહોત્સવ અંગે વેરાવળ-પાટણની તમામ જ્ઞાતિઓ - સમાજો - સંસ્થાઓ અને હોટલ એસોસીએશનના માલિકો, વેપારી અગ્રણીઓ સાથેની એક મીટીંગ સોમનાથ ટ્રસ્ટના સાગર દર્શન સભાખંડમાં યોજાઈ હતી.

ટ્રસ્ટી-સચિવ પ્રવિણભાઈ લહેરીના અધ્યક્ષપદે યોજાયેલી આ મીટીંગ યોજાનારા પ્રસંગ અંગે રૂપરેખા - માહિતી આપવામાં આવી તેમાં જણાવાયું કે બારેય જ્યોતિર્લિંગના અંદાજે ૬૦૦થી વધુ મહેમાનો આ પ્રસંગે હાજરી આપનાર છે. તેમાં સહુએ સહિયારા પ્રયાસ કરી આવનારા લોકો અને પ્રવાસી મહેમાનો પ્રભાસની આગવી સુંદર છાપ લઈ જાય તેવી વ્યવસ્થા ગોઠવશું.

કાર્યક્રમો વિધિવત ઘડાઈ રહ્યા છે પરંતુ તા. ૨૩ ફેબ્રુ. સોમનાથ સંસ્કૃત યુનિ.થી સોમનાથ સુધીની ટેબ્લો અને ધૂન-ભજન મંડળી સાથેની શોભાયાત્રા - સંત સત્સંગ - યજ્ઞ - નામાંકિત સુપ્રસિદ્ધ કલાકારોનો સાંસ્કૃતિક કાર્યક્રમ ધ્વજારોહણ અને સંભવતઃ સી.એમ. અને પી.એમ. માટેની પણ ઉપસ્થિત રહે તે માટે નિમંત્રણો પાઠવાઈ ચૂકયા છે.

સાગરખેડૂ સમાજના જગદીશભાઈ ફોફંડીએ સોમનાથના આ કાર્યમાં અમારી જ્ઞાતિનો સહકાર હશે તેવું જણાવ્યું તો વેરાવળ અગ્રણી રમેશ ચોપડકરે પરપ્રાંતી સમાજ દુભાષીયા કે ગાઈડ સ્વરૂપે અથવા ટ્રસ્ટ જે સોંપે તે ફરજ બજાવવા તત્પરતા દાખવી છે.

સોમનાથ આસપાસની હોટલ એસોસીએશનના તમામ માલિકોએ ટ્રસ્ટ માટે આ દિવસોમાં ખાસ રૂમો ફાળવ્યા જ છે. તદઉપરાંત લાલભાઈ અટારાએ ટ્રસ્ટને જણાવ્યું કે આ ત્રણ દિવસના મહોત્સવમાં મારો આખો ગેસ્ટ હાઉસ હું સોેમનાથ અને ટ્રસ્ટને ચરણે ધરૂ છું.

હોટલ સુખ સુવિધાના માલિક સાજીદ સુમરા વતી હાજર શકિલભાઈ કે જે વિધર્મી હોવા છતાં ગામને માટે આ સારો પ્રસંગ અને રાષ્ટ્રીય લેવલનો થાય છે ત્યારે ટ્રસ્ટ માટે મારો આખે-આખો ગેસ્ટ હાઉસ ટ્રસ્ટ માટે ફાળવી દઈશ. આમ કોમી એકતા-ભાઈચારા અને રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યાં મેડીકલ એસોસીએશનના ડો. સંજય પરમાર, ડો. આર.ડી. સાવલીયા વિગેરેએ આ મહોત્સવ પ્રસંગે જો તાકીદે કે પ્રાથમિક સારવાર કે દવા લેવાની જરૂર પડે તો તે તેની ટીમ સાથે ૨૪ કલાક સેવા આપશે. વેરાવળના સામાજીક કાર્યકર જગમાલ વાળાએ જણાવ્યુ કે તે ૧૦૦ જેટલા તાલીમબદ્ધ સ્વયંસેવકો અને પોતાના વાહનો કાર - ડ્રાઈવર સાથે ટ્રસ્ટને ત્રણેય દિવસ માટે આપશે.

અગ્રણી જયકર ચોટાઈએ અક્ષયનાથ મંદિર અને સોમનાથ મંદિર ધર્મકથા મુજબ સાથે જ જોડાયેલું છે. તેથી તેઓ તેની સંસ્થાના ૫ કર્મચારીઓ અને બે કાર ડ્રાઈવરો સાથે ટ્રસ્ટને આપશે.

સોમપુરા બ્રાહ્મણ સમાજ, માળી સમાજ, સિંધી સમાજ સિંધી વેપારી એસોસીએશન, ગાયત્રી પરિવાર, જૈન સમાજ, જાગૃત મંચ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, બાપસ સંસ્થા દશનામ ગોસ્વામી સમાજ, લોહાણા સમાજ, કોળી જ્ઞાતિ સમાજ, ધોબી સમાજ સહિત વિવિધ સમાજો ઉપસ્થિત રહ્યા અને સહયોગ ખાત્રી આપી સાથોસાથ ઉત્સવ વધુ શાનદાર બને તે માટે સેવાઓની ઓફર-સૂચનો કર્યા.

સાગરખેડૂ સમાજ મહોત્સવના મહત્વના દિવસે દરીયામાં શણગારેલી બોટોથી અભિવાદન કરે તે પણ સ્વીકારાયું તો વેપારીઓ એક દિવસ વ્યવસાય બંધ રાખી ઉત્સવમાં સામેલ થાય તેવો સહકાર મળશે તેવું વેપારી અગ્રણીએ જણાવ્યું. સોની સમાજના અગ્રણી અરવિંદ રાણીંગાએ પણ જણાવ્યુ કે પોતાની જ્ઞાતિની વંડી જો ટ્રસ્ટને જરૂર પડશે તો અવશ્ય સહકાર આપી વ્યવસ્થા કરશે.(૨-૩)

 

(1:03 pm IST)