Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ધ્રાંગધ્રા પંથકમાં તસ્કરોનો તરખાટ : વાઘગઢમાં ૮૫ હજાર અને પાંચ તોલા સોનુ ચોરાયુ

સુરેન્દ્રનગર તા. ૧૬ : ધ્રાંગધ્રા પંથકમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. દરમિયાન વાઘગઢમાં પણ ૮૫ હજારની રોકડ અને પાંચ તોલા સોનાની ચોરી થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.

ધ્રાંગધ્રા પંથકમા છેલ્લા કેટલાક સમયથી ત્રસ્કરોએ આડો આંક વાળી દીધો હોય તેમ કહી શકાય વારંવાર ઘરફોડ ચોરીને અંજામ આપતા ચોર ગેંગના સભ્યોથી હવે પોલીસ પણ એટલી ગળે આવી ગઇ છે કે હજુ એક ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નથી શકાયો ત્યાતો બીજી ચોરીને પણ અંજામ આપી દેવાય છે.

ધ્રાંગધ્રા પંથકમા વધતા જતા ચોરીના બનાવને લીધે લોકો દ્વારા સઘન પેટ્રોલીંગની માંગ કરાઇ છતા પણ હજુ ઘરફોડ ચોરીને બ્રેક લાગી નથી તેવામા ધ્રાગધ્રા તાલુકાના વાઘગઢ ગામે રહેતા હિમ્મતભાઇ રણછોડભાઇ ગઢીયાના રહેણાંક મકાનમા ગત દિવસ દરમિયાન સમા સાંજના સમયે કોઇ અજાણ્યા શખ્સો ઘરમા પ્રવેશ કરી ઘરમા ખાનગી રીતે મુકેલા સોનાના દાગીના તથા રોકડ સાથે મોબાઇલ પણ ઉઠાવી ગયા હતા જેની જાણ બાદમા ઘર માલિકને થતા તુરંત ઘરમાલિક દ્વારા તાલુકા પોલીસનો સંપર્ક કરી પોતાના રહેણાંક મકાનેથી પાંચ તોલા સોનાના ઘરેણા, ૮૫ હજાર રોકડા તથા એક નોકીયા કંપનીનો મોબાઇલની ચોરી થઇ હોવાનુ જણાવ્યુ હતું.

ધ્રાગધ્રા તાલુકા પોલીસ દ્વારા ચોરી થયેલ મકાનમાલિકની ફરીયાદ લઇ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરીયાદ હાથ ધરી ચોરને પકડી પાડવાની તજવીજ શરૂ કરી છે. ત્યારે દરરોજ ઘરફોડ ચોરીના બનતા બનાવોને લઇને હવે પોલીસને પોતાની સક્રિયતા દર્શાવી નાઇટ દરમિયાન સતત પેટ્રોલીંગ કરવુ પડે તેવી ખાસ જરૂરીયાત ઉભી થઇ છે.(૨૧.૧૧)

(12:21 pm IST)