Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

જુનાગઢ જિલ્લામાં લોકડાઉનમાં ૧૧૩૭ વાહન ડિટેઇનઃ જાહેરનામા ભંગ અંગે કુલ ૧૧૮૧ ગુન્હા નોંધાયા

જૂનાગઢ તા. ૧૦ : જૂનાગઢ જિલ્લામાં લોકડાઉન સંદર્ભે લાપરવાહીથી ફરનાર અને જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર લોકો સામે જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકડાઉન લાગુ પડ્યા બાદ  સમગ્ર જિલ્લામાં ૧૧૩૭ વાહન ડિટેઈન કરવા સાથે ૧૧૮૧ લોકો સામે જાહેરનામા ભંગ સહિતના ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે. 

નાયબ પોલીસ મહાનિરીક્ષક જૂનાગઢ વિભાગ મનિન્દરસીંઘ પવાર અને જિલ્લા પોલીસ અધિક્ષક સૈારભસિંઘના માર્ગદર્શન તળે ૧૬ પોલીસ થાણા અને આઉટ પોસ્ટને  આવરી લઇ કોરોના વાયરસનાં સંક્રમણને ખાળવા તેમજ કાયદો અને વ્યવસ્થા સંદર્ભે સુચારૂ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહજી જાડેજા ઉપરાંત સમગ્ર જિલ્લાનાં પોલીસ સ્ટેશનોનાં થાણા અમલદારો, સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાઇ રહે, લોકોનાં જીવન જરૂરીયાતોની પુરતી વસ્તુઓ ઊપલબ્ધ થાય, જથ્થાબંધ માર્કેટનાં સ્થળોએ લોકોને મદદ મળતી રહે તેવું આયોજન કરવામાં આવ્યુ છે. ઊપરાંત જૂનાગઢ શહેર, જિલ્લામાં પ્રવેશતા તમામ માર્ગો પર વાહનોનું કડક પણે ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે. વાહનો કે તંત્ર દ્વારા અપાયેલ પાસનો દૂરૂપયોગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જૂનાગઢ શહેરના મધુરમ બાયપાસ, સાબલપુર ચોકડી, બીલખા રોડ દરવાજા, ભવનાથ તેમજ શહેરનાં વિવિધ સ્થળોએ સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે.

લોકડાઉનમાં લોકો પણ સહયોગી બની રહ્યા છે. તે ખુબ સારી બાબત છે. પરંતુ જાહેરનામાનું ઉલ્લંઘન કરે કે કાયદો હાથમાં લેવાની કોશીષ સામે કડક હાથે કામ લેવાશે. પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી પણ સર્વેલન્સ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.(૨૧.૧૯)

(1:01 pm IST)