Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

પોરબંદરમાં વિધવા બહેનોના પેન્શનનું પોસ્ટમેન ઘરે ઘરે ચુકવણું કરી રહેલ છેઃ લાભાર્થીઓએ લોકડાઉનનું ચુસ્ત પાલન કરવું

પોરબંદર,તા.૧૦: પોરબંદર જિલ્લામા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ ૧૦૧૫૮ વિધવા બહેનોના ખાતામા ફેબ્રુઆરી, માર્ચ અને ચાલુ એપ્રિલ મહિનાનું પેન્શન રાજય સરકાર દ્રારા જમા કરાયુ છે. કોરોનાની સ્થિતિમાં એપ્રિલ માસની સહાય રાજય સરકાર દ્વારા સંવેદનશીલ અભિગમ અપનાવી એડવાન્સ માં જમા કરવામાં આવી છે. તે પૈકી પોરબંદર પોસ્ટલ વિભાગ દ્રારા ૫ હજારથી વધુ ખાતામાં ૨.૩૦ કરોડથી વધુનું ચુંકવણું તા.૯ એપ્રિલ સુધીમાં કરાયુ છે. જયારે બાકીના લાભાર્થીઓને પેન્શન ચુકવવાની કામગીરી ચાલુ છે. લોકડાઉનના કારણે પોસ્ટમેન લાભાર્થીઓના ઘરે ઘરે જઇને રોકડમા ચુકવણુ કરી રહ્યા છે.માટે લાભાર્થીઓ લોકડાઉનનુ ચુસ્ત પાલન કરે તે ખાસ જરૂરી છે.

કોરોના મહામારીના કારણે રાજય સરકારે ચાલુ માસનુ પેન્શન પણ એડવાન્સમા જમા કરતા જિલ્લામા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતી બહેનો સરકારનો આભાર વ્યકત કરી રહી છે. રાણાવાવના મુનીબહેન વારંગને પોસ્ટ વિભાગ દ્રારા ઘરે જ રોકડમા પેન્શન આપવામાં આવ્યું હતુ. મુનીબહેને લોકડાઉનનો અમલ કર્યો તથા કોરોના વાઇરસના કારણે અન્ય બહેનો પણ પેન્શન મેળવવા પોસ્ટ ઓફિસ જવાને બદલે લોક ડાઉનનુ પાલન કરે તેમ સલાહ આપી છે. કુતિયાણાના કારીબહેન મોઢાને પણ અન્ય લાભાર્થીની જેમ પોસ્ટના કર્મીએ ઘરે જઇને પેન્શન આપતા કારીબહેને સરકારનો આભાર વ્યકત કર્યો હતો. પોરબંદરના ગ્રામીણ વિસ્તારોના લાભાર્થી બહેનોને પણ તેમનુ પોતાનુ પેન્શન પોસ્ટમેન ઘરે આપી જાય છે. પોસ્ટલ સુપ્રિટેન્ડેન્ટશ્રી અભિજિત સિંહે તથા મહિલા અને બાળ અધિકારીશ્રી કાશ્મીરા સાવંતે કહ્યુ કે, જીવન જરુરીયાત હોય તો જ બહેનો પૈસા ઉપાડવા પોસ્ટ ઓફિસ આવે, કોરોના મહામારીને ધ્યાનમા રાખીને બહેનો પોસ્ટ ઓફિસ પર પડાપડી ન કરે પોસ્ટમેન લાભાર્થી બહેનોના  ઘરે જઇને રોકડમા પેન્શનનુ ચુકવણુ કરી રહ્યા છે. માટે લાભાર્થીઓ લોકડાઉનનો અમલ કરી ઘરે રહે  તેવો અનુરોધ કરવામા આવ્યો છે.

કોરોના વાઇરસનાં સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજય સરકારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ રાજયની તમામ વિધવા બહેનોના બેંક ખાતામાં ચાલુ માસ એપ્રિલનુ પેન્શન એડવાન્સમાં જમા કરવામાં આવ્યુ છે. પોરબંદર ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ જિલ્લાની તમામ ૧૦૧૫૮ બહેનોને તેમનુ પેન્શન સીધુ જ ખાતામા જમા કરાયુ છે, માટે કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને બહેનો પોસ્ટ ઓફિસમા ખોટી રીતે ટ્રાફિક ન કરે અને ઘરે સલામત રહે, પોસ્ટ મેન દ્રારા ધરે લાર્ભાથીઓને પેન્શન ચુકવવામા આવી રહ્યુ છે, લાભાર્થીઓ કોરોના વાઇરસ મહામારીમા લોકડાઉનનુ પાલન તે ખાસ જરુરી છે. સરકાર દ્રારા આપવામા આવતુ પેન્શન બેંકમા સલામત રહે છે જેથી દરેક લાભાર્થીઓ લોકડાઉનમા ઘરમા રહી તંત્રને સહયોગ પુરો પાડે તે ખાસ જરૂરી છે. તેમ યાદીમાં જણાવાયું છે.

(1:13 pm IST)