Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

પાલિતાણા જૈન તીર્થક્ષેત્રના ૮૦૦ મંદિરો બંધ

શ્રધ્ધાળુ ન આવતા હોવાથી ડોલીવાળાની માઠી દશા

પાલીતાણા તા. ૩: કોરોના સંકટના કારણે ભાવનગર જીલ્લાના પાલીતાણા જૈન તીર્થ ક્ષેત્રમાં પણ લોકડાઉન છે જેના કારણે આ ક્ષેત્રમાં આવેલ ૮૦૦ મંદિરો પણ અઢી મહિનાથી બંધ છે. આના લીધે અહીંની બજારમાં પણ મંદીનો માર છે.

પાલીતાણામાં શેત્રુંજય પર્વત પર ૩૭૦૦ થી વધારે પગથીયા છે, જે ચડીને ત્યાં આવેલા ૮૦૦ મંદિરો સુધી શ્રધ્ધાળુઓ પહોંચે છે. તેના માટે ડોલી-પાલખીવાળા ર૦૦૦ રજીસ્ટર્ડ થયેલા લોકો છે જેમની રોજી રોટી પણ આ શ્રધ્ધાળુઓ પર નિર્ભર છે. જે હાલમાં મંદિરો બંધ હોવાથી સંકટમાં છે. આ લોકો જલ્દી મંદિર ખુલવાની આશા રાખીને બેઠા છે.

સોમવારથી અનલોક ૧.૦ ની શરૂઆત થઇ ગઇ છે પણ મંદિરો ખોલવાની મંજૂરી નથી અપાઇ. આના લીધે આ સ્થળ ક્ષેત્રના પાલખીવાળા, ગુલંકદ, ભરત ગુંથણના કારીગરો, સેંકડો ધર્મશાળાઓ, હોટલો, રેસ્ટોરંટો, કેટરીંગ સર્વિસવાળા, રિક્ષાવાળા વધારે હેરાન પરેશાન છે. પાલીતાણાના આ ધંધાઓ સાથે સંકળાયેલા અનેક કામદારોને છૂટા પણ કરી દેવાયા હોવાથી તેઓ બેરોજગાર બની ગયા છે.

પાલિતાણાના લારી ગલ્લા એસોસીએશનના પ્રમુખ ભરતભાઇ રાઠોડ કહે છે કે પાલીતાણાના મોટા ભાગના ધંધા યાત્રિકો-શ્રધ્ધાળુઓ પર નિર્ભર છે. મંદિરો બંધ હોવાના કારણે યાત્રિકો આવતા નથી. ભરતકામ-નકશીકામ, કેટરીંગ, ડોલી-પાલખીવાળા, મજૂરો, નાના દુકાનદારોની આર્થિક હાલત ખરાબ થઇ ગઇ છે. એટલે સરકારે તેમને રાહત પેકેજ આપવાની જરૂર છે.

(2:44 pm IST)